રાજપીપળાના રહીશ અને શિનોર તાલુકાના સાધલીની એસ.સી. પટેલ આર્ટ્સ કોલેજમા આસી.પ્રો તરીકે ફરજ બજાવતા પ્રો. ડો.હિમાંશુ દવેની તારીખ ૧૧ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન અઝરબૈજાન ખાતે રમાયેલ જિનમાસ્ટિક ટ્રેમપોલિયન વર્લ્ડકપમા ભારતીય ટીમના હેડ ઓફ ડેલીગેશન તરીકે પસંદગી થઈ હતી. જે રાજપીપળા અને નર્મદા જિલ્લા માટે ગૌરવની વાત કહેવાય.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ અઝરબૈજાન ખાતે ચાલી રહેલા વર્લ્ડકપમાં ૮ ખેલાડીઓ સહિત ૨ કોચ અને મેનેજર સાથે ભારતીય સંઘના વડા તરીકે પ્રો. ડો. હિમાંશુ દવે ભારતનું પ્રતિનિધિત્વ કરી સાથે તેમણે રાજપીપળાનું પણ ગૌરવ વધાર્યું છે. સાધલી કોલેજના સ્ટાફ સહિત પરિવાર અને કેળવણી મંડળ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રો.ડો હિમાંશુ દવે અગાઉ ઇન્ડોનેશિયા મુકામે યોજાયેલ જુનિયર એશિયન ચેમ્પિયનશીપમાં પણ
ભારતીય ટીમના કોચ તરીકે સેવા આપી ચુક્યા છે. અને તેઓ મોટા ફોફળિયા સી.એ પટેલ લર્નિગ ઇન્સ્ટિટ્યૂટની આંતરરાષ્ટ્રીય જિનમાસ્ટિક સુવિધાઓ દ્વારા કોચિંગ કરાવી ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તાલીમ આપી રહ્યા છે, અને તેઓ દ્વારા કોચિંગ પામેલા ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે ઉજળો દેખાવ કરી મેડલો મેળવી રહ્યા છે. જે નર્મદા જિલ્લા માટે ગૌરવની વાત કહેવાય શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા