રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે ભાજપના પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ પટેલ તથા સહ ઈન્ચાર્જ ઝૂબીન આશરા તથા નર્મદા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ, જિલ્લા મહામંત્રીઓ નીલ રાવ અને વિક્રમ તડવી સાથે સ્નેહમિલન યોજાયું હતું. જેમાં રાજપીપલા અને નર્મદાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.પત્રકારોના સ્નેહમિલનમા સ્થાનીક પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાત કરી જિલ્લાના મહત્વના પ્રશ્નો અને વિકાસના કામો અંગે વિગતે ચર્ચા કરી હતી. આ પ્રસંગે પત્રકારો વિશાલ પાઠક, દીપક જગતાપ, રાજેશ ચૌહાણ તથા જયેશ દોશીએ પ્રદેશ ભાજપાના આગેવાનોનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે આગામી વિધાનસભાની ચૂંટણીઓના સંદર્ભે નર્મદા જિલ્લાના ક્યા વિકાસના કામો થઈ શક્યા નથી અથવા કરવા જેવા છે તે અંગેના સૂચનો અને જાણકારી પત્રકારો પાસેથી મેળવી હતી. જેમાં પત્રકાર દીપક જગતાપ, કનકસિંહ માત્રોજા, વિશાળ પાઠક, નરેન્દ્ર પેપરવાળા, દીપક પટેલ, જયેશ દોશી, જ્યોતિ જગતાપ, વિશાલ મિસ્ત્રી વગેરે એ પ્રશ્નોતરી કરી જિલ્લાના પ્રશ્નોના ઉકેલ અંગે તંદુરસ્ત ચર્ચા કરી હતી. પત્રકારોએ સૂચનો પણ કર્યા હતા.
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો અને નર્મદા જિલ્લાની બંને વિધાનસભાની બેઠકો જીતવાનો આશાવાદ. નર્મદા જિલ્લાના અધૂરા રહેલા વિકાસના કામો અંગે પત્રકારો પાસેથી સૂચનો માંગ્યા અને પત્રકારોએ સૂચનો કર્યા અને સૂચનો આવકાર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપે વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. જેમાં નર્મદા જિલ્લાની વિધાનસભાની બેઠકો નાંદોદ ડેડીયાપાડાની બેઠકો પણ ભાજપ જીતશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પત્રકારો જિલ્લાના અરીસા છે જિલ્લાના વિકાસમા નર્મદાના પત્રકારોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ભાજપ જીત્યું છે જેમાં જિલ્લાના અને નગરના ખૂબ સારા વિકાસના કામો થઈ રહ્યા છે. પત્રકારો જ્યાં જરૂર જણાય ત્યાં સૂચનો પણ કર્યા છે. એમના સૂચનો આવકારીએ છીએ. જિલ્લાના વિકાસમા યોગદાન આપવા બદલ સૌ પત્રકારોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે બી.જે.પી મીડિયા સેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લાના પત્રકારો સાથે સ્નેહમિલન થાય અને ભાજપ દ્વારા પત્રકારો વચ્ચે સંવાદ જીવંત રહે તે માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે. નર્મદા જિલ્લાનો સર્વાંગીણ વિકાસ થાય એ માટે પત્રકારોનો બહુ મોટો ફાળો રહ્યો છે. આ સ્નેહમીલન દ્વારા પત્રકારો સાથે મુલાકાત કરીને જિલ્લાના વિકાસના પ્રશ્નો અંગે ઘણા સારા સૂચનો પત્રકારો દ્વારા મળ્યા છે એને આવકાર્યા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા