નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની પશુપાલન સમિતિના અધ્યક્ષ સંગીતાબેન તડવી, ICICI ફાઉન્ડેશનના સી.ઓ.ઓ (C.O.O) અનુજ અગ્રવાલ, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે, નાયબ પશુપાલન નિયામક ડૉ.જે.આર.દવે સહિત ICICI ફાઉન્ડેશન તેમજ પશુપાલન વિભાગના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે CSR ફંડની પ્રવૃત્તિઓ હેઠળ અંદાજે રૂા.૨૦ લાખના ખર્ચે પશુ સારવાર માટેની બે મોબાઇલ વાનનું લોકાર્પણ કરાયું હતું. જેમાં એક વાન ગરૂડેશ્વર તાલુકા માટે અને બીજી વાન દેડીયાપાડાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર માટે ફાળવવામાં આવી છે.
રાજપીપલા કલેક્ટરાલયના સભાખંડ ખાતે યોજાયેલા પશુ સારવાર મોબાઇલ વાનના ઉક્ત લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, ICICI ફાઉન્ડેશન ધ્વારા નર્મદા જિલ્લામાં પશુપાલનમાં બકરા પાલનની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળવાથી તેને વેગ મળશે અને આ વ્યવસાયમાં જોડાયેલી બહેનો વધુ સક્ષમ બનશે. બકરા પાલન પ્રવૃત્તિમાં મહત્તમ બહેનો જોડાઇને આ યોજનાનો લાભ લે તેવા સક્રિય પ્રયાસો હાથ ધરવા પણ તેમને ખાસ અનુરોધ કર્યો હતો.
અત્રે એ ઉલ્લેનીય છે કે, ICICI ફાઉન્ડેશન ધ્વારા નર્મદા જિલ્લામાં દુર્ગમ અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં બકરા પાલનની પ્રવૃત્તિને વેગ મળે તે હેતુથી આવા વિસ્તારમાં બકરા પાલન કરતા પશુપાલકોને સહાયરૂપ બની તેમની આવકમાં વૃધ્ધિ થાય તે માટેનો પ્રોજેક્ટ પણ જિલ્લામાં અમલમાં મુકાયેલ છે અને ૧૫ જેટલા ગામો માટે ૧૯ પશુ સખીની નિમણૂંક સાથે અંદાજે ૭૭૦ થી પણ વધુ બહેનોને જરૂરી તાલીમબદ્ધ કરાયાં છે અને બકરા પાલન પ્રવૃત્તિઓમાં જરૂરી માર્ગદર્શન સાથે આ પશુ સખી મહિલાઓ સહાયરૂપ બનશે. તેની સાથોસાથ જિલ્લાની મહિલાઓને કિચન ગાર્ડનીંગ, વર્મિકંમ્પોઝ, અઝોલા વનસ્પતિના વાવેતર વગરે અંગેની ઘનિષ્ટ તાલીમ નિદર્શનનું આયોજન કરાયું છે જેના થકી તેમની આજીવિકામાં ઉમેરો થશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા