નર્મદા જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ પંચાયતના વિકાસના કામોની સત્તા સુપ્રત કરવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત ખાતે સરપંચ પરિષદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી પલસાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પાંચ લાખ સુધીના કામોની સત્તા ગ્રામપંચાયતને આપેલ હોવા છતા સરકારના પરિપત્રનુ તાલુકા પંચાયતો દ્વારા છેડેચોક ઉલ્લંઘન કરવામાં આવતી હોવાની રજુઆત કરવામાં આવી હતી.
આવેદન આપતી વખતે જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા ખાતે આવેલ ગ્રામ પંચાયતોમાં સરકારના ધારાધોરણ મુજબ વિવિધ યોજનાઓ પાંચ લાખથી નીચેના વિકાસના કામો જેમકે એટીવીટી, આયોજન મંડળ, ગુજરાત પેટન, 15% વિવેકાધીન, યોજનાઓ જેવી વિવિધ યોજનાઓ હાલમાં નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ગ્રુપ ગ્રામ પંચાયતો તેમજ ગ્રામપંચાયતોના વિકાસના કામો સરકાર ના પરિપત્ર મુજબ તમામ ગ્રામ્ય વિસ્તારમાં જે તે ગ્રામપંચાયત હસ્તક જે તે વિકાસના કામો સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય લોકોના વિકાસ માટે સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેના અનુસંધાનમાં જે તે ગ્રામપંચાયતને સરકાર તરફથી તારીખ 29/8/2012 ના પત્ર મુજબ રૂપિયા પાંચ લાખ સુધીના કામોની સત્તા જે તે ગ્રામપંચાયતને સુપ્રત કરવામાં આવેલ છે તેમ છતાં સરકારના પરિપત્રનો ઉલ્લંઘન જે તે તાલુકા પંચાયતો તરફથી કરવામાં આવે છે અને સરપંચોની સત્તા અને હક્ક પર તરાપ મારી છિનવવામાં આવે છે. જેનાથી જિલ્લાના તમામ સરપંચોની લાગણી દુભાઈ છે. જે ધ્યાને લઈને આ બાબતે હસ્તક્ષેપ કરી ઘટતું કરવા સરપંચોએ રજૂઆત કરી હતી.
દીપક જગતાપ, રાજપીપલા