રાજપીપલા,નર્મદા જિલ્લામાં તા. ૧૫/૧૦/૨૦૧૯ થી ૨૦/૧૧/૨૦૧૯ સુધી પડેલા કમોસમી વરસાદથી ખેડુતોના પાકને નુકશાન થયું હતું તે અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડુતો દ્વારા નિયત નમુનામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક/ તલાટી કમ મંત્રીને અરજી કરવાની રહેશેં. આ સહાયનો લાભ મેળવવા ખાતેદાર ખેડુતને તા. ૩૧/૧૨/૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
આ અરજી સાથે ખેડુતોએ આધાર કાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો, ૭/૧૨, ૮ અ, બેંક એકાઉન્ટ નંબર માટે બેંક પાસ બુકના પ્રથમ પાનાની IFSC Code સાથેની નકલ તથા સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળું “ના વાધા” અંગેનું સંમતિપત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડુતનું કબુલાત નામું જોડવાનું રહેશે. વધુમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી) પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરવાનો રહેશે.
રાજપીપલા, આરીફ જી કુરેશી