રાજપીપળા ખાતે ગેસ માલિકની જાણ બહાર ગેસના સિલિન્ડર ડીલીવરી બોય દ્વારા ગ્રાહકો સાથે ચલાવાતી ઉઘાડી લૂંટ થતી હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે. જેમાં સિલિન્ડર દીઠ 922.50 રૂ ના ચાર્જ સામે 930 રૂપિયાની ઉઘરાણી કરી સિલીન્ડર દીઠ સાડા સાત રૂપિયા વધારે ઉઘરાવતા હોવાની ફરિયાદ જાગૃત ગ્રાહકે ભારતગેસના માલિકને કરાઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ખાતે સ્ટેશન રોડ ઉપર આવેલ દારાશા મંચેરજી એન્ડ સન્સની એજન્સી પરથી ભારત ગેસના સિલિન્ડરોની કરનારા ડીલીવરી બોય પાસેથી ખુલ્લેઆમ સિલિન્ડર દીઠ 7.50 રૂપિયાની ગેરકાયદેસરની ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ જાગૃત ગ્રાહકે દારાશા મંચેરજી એન્ડ સન્સની એજન્સીના માલિકને કરી હતી. ફોન પર ફરિયાદ કરતા માલિક પોતે પણ ચોંકી ઉઠ્યા હતા. અને તમારે વધારના પૈસા આપવાની ના પાડી હતી અને તેની સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગેસના સિલિન્ડરના ભાવ એક તરફ આસમાને છે. હાલ કોરાનો સમય ચાલી રહ્યો છે. એવા સમયે ગ્રાહકો પાસેથી સિલિન્ડર વિતરિત કરતાં ડીલીવરી બોય દ્વારા ગ્રાહકોને આ માલિકોની જાણ બહાર પાછલે બારણેથી વધારાના ગેરકાયદેસર નાણાં ઉઘરાવતા આવતા હોવાની હકીકત બહાર આવી છે. ગેસ સિલિન્ડર નો ભાવ 922.50 પૈસા છે તેની સામે આ ડીલીવરી બોય 930 રૂપિયાની ઉઘરાણી કરે છે એટલે કે સિલિન્ડર દીઠ 7.50 રૂપિયા વધારે માંગણી કરે છે. જે તેના સીધા ખિસ્સામા જાય છે. રાજપીપલા ખાતે એક જાગૃત ગ્રાહકને ત્યાં ડીલીવરી બોય 930 રૂપિયાની માંગણી કરતા જાગૃત ગ્રાહક એ સાડા સાત રૂપિયા વધારાના શેના માંગો છો? એમ પૂછતા જણાવેલ કે આ તો મારું કમીશન છે. ગ્રાહકે પૂછેલ કે શાનું કમિશન છે? તો ડીલીવરી બોયે જણાવેલ કે સિલિન્ડર લઈને ઘરે સુધી આપવા આવીએ તેનો ચાર્જ લઈએ છે. ત્યારે ગ્રાહકે સીધા એજન્સીના માલિકને ફોન કરતા ડિલિવરી બોય ઢીલા પડી ગયા હતા. સારુ 922. 50 આપો એમ કહીને સિલિન્ડરભાઈ સાહેબ નૌ દો ગ્યારા થઈ ગયા હતા. આ બાબતની ફરિયાદ માલિકને કરવામાં આવી છે. ત્યારે જાગૃત નાગરિકોને ખાસ જણાવવાનું કે બીજા કોઈપણ ડીલીવરી બોય સિલીન્ડર લઈને તમારે ત્યાં આવે તો બિલની અંદર દર્શાવેલી રકમનું જ પેમેન્ટ કરવાનું હોય છે. આ સિવાય બીજો કોઈ વધારવાનું પેમેન્ટ કરવાનું હોતું નથી. આવી કોઈ છેતરપિંડી કરે તો તેની ફરિયાદ ગ્રાહક સુરક્ષામાં તેમજ એજન્સીના માલિકને પણ કરી શકાય છે. ગ્રાહકો પોતે જાગૃત બને તે પણ જરૂરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા