સાંસદ મનસુખભાઈ વસાવાનો આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલને વધુ એકપત્ર લખીને લેટર બૉમ્બ ફોડયો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની સરકારે આદિજાતિના પ્રમાણપત્ર અંગે જે નિર્ણયમા કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવા જણાવ્યું છે. આદિજાતિ વિકાસ મંત્રીની આદિજાતિ અંગેના પ્રમાણપત્ર અંગેની મીટીંગમા હાજર ન રહી શકતા પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે તા ૨૫-૦૧-૨૦૨૨ ના રોજની
અગત્યની મિટિંગમાં મારૂ સ્વાથ્ય સારું ન હોવાના કારણે હું આ મિટિંગમાં હાજર રહી શકીશ નહીં. પરંતુ મીટીંગના વિષયમાં મને જાણવા મળ્યું છે, તે મુજબ આદિજાતિ અંગેના પ્રમાણપત્રને લઈને મીટીંગ રાખવામાં આવી છે તેમાં મારે સ્પષ્ટ માનવું છે કે જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે આદિજાતિના પ્રમાણપત્ર અંગે જે નિર્ણય લીધો છે, તેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવી જોઈએ. તથા કેટલાક લોકોને આદિજાતિ અંગેના પ્રમાણપત્ર મેળવવામાં થોડી તકલીફ પડે છે, તેવા હળપતિ સમાજ તથા રાઠવા સમાજના જે ખરેખર આદિવાસીઓ છે, તેમના માટે સરકારે કોઈ કમિટી બનાવીને તાલુકા તથા જે તે ગામોનો પ્રવાસ કરીને તેવા લોકો માટે આદિજાતિ અંગેના દાખલાઓ સરળતાથી મળી રહે તેની વ્યવસ્થા કરવી જોઇએ તથા જે ખરેખર સાચા આદિવાસી છે, તેનો સ્પષ્ટ ખ્યાલ તાલુકા તથા જિલ્લાના પ્રવાસ કરવાથી આવી જશે. પરંતુ જે નિયમો બનાવ્યા છે, તેમાં કોઇપણ બાંધછોડ નહીં કરવી જોઈએ અને જો કોઈ બાંધછોડ થશે, તો ખરેખર સાચા આદિવાસી સમાજની સાથે ખૂબ મોટો અન્યાય થશે. તેવું મારું માનવું છે, તેથી આવો ઉતાવળિયો નિર્ણય નહીં કરવામાં આવે તેવી લેખિત રજુઆત સાંસદ મનસુખભાઇ વસાવાએ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલને કરતાં તેના ઘેરા પ્રત્યઘાત પડયા છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા