ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ પી.ભારથીએ કોરોનાની મહામારીને અનુલક્ષીને કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જરૂરી સમીક્ષા અર્થે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી અને સિવિલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા સહિત જિલ્લા વહિવટી અને આરોગ્યતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને જરૂરી સમીક્ષા કરી હતી.
રાજપીપલા ખાતે યોજાયેલી ઉક્ત બેઠકમાં નર્મદા જિલ્લામાં પાછલા વર્ષોમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન કોરોના નિયંત્રણ માટે જિલ્લા પ્રસાશન-જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા લેવાયેલા પગલાંઓ, કોવિડ હોસ્પિટલની આનુસંગિક ઉપલબ્ધ સુવિધાઓ, PSA ઓક્સિજન પ્લાન્ટ, જમ્બો ઓક્સિજન સિલીન્ડર, સારવાર વિષયક અન્ય આરોગ્ય વિષયક ઉપકરણો, RTPCR લેબોરેટરી, કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમની વ્યવસ્થા, ધનવંતરી/સંજીવની રથ, ઇ-સંજીવની/ટેલીમેડીસન ઓપીડી, ૧૦૮ એમ્બ્યુલન્સ, શબ-વાહિની, સ્ટાફ વ્યવસ્થા વગેરે જેવી બાબતોની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જાણકારી અપાઇ હતી. તેવી જ રીતે આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ની પરિસ્થિતિ સંદર્ભે પોઝીટીવ કેસ/એક્ટીવ કેસ, હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કેસની સંખ્યાની આંકડાકીય વિગતો ઉપરાંત જિલ્લામાં ફિલ્ડ અને જિલ્લાકક્ષાએથી આગામી સમયમાં RTPCR લેબ શરૂ કરવા, લોજીસ્ટીક માટેની ખરીદી, RTPCR-એન્ટીજન ટેસ્ટીંગ અને ટ્રાન્ઝિટ ટેસ્ટીંગ સેન્ટર, જરૂરી સ્ટાફની નિમણૂક ઉપરાંત રાજ્યકક્ષાએથી નિષ્ણાંત તબીબો, સીટી સ્કેન મશીન, MRI મશીન વગેરે જેવી સુવિધા ઉપલબ્ધિ માટે થનારી કામગીરી અંગે પણ પ્રભારી સચિવને વાકેફ કરાયાં હતાં. તેની સાથોસાથ કોવિડ વેક્સીનેશનની જિલ્લામાં થયેલી કામગીરીની પણ આંકડાકીય જાણકારી પૂરી પડાઇ હતી.
જિલ્લા પ્રભારી સચિવ પી.ભારથીએ બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લામાં કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાના પાલનની સાથોસાથ ધનવંતરી રથ દ્વારા ટેસ્ટીંગ, હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ, આર્યુવેદિક ઉકાળાનું વિતરણ, જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ ખાતે પણ સર્વેલન્સ સહિત IEC પ્રવૃત્તિની કામગીરી વધુ સઘન બનાવવા ઉપર પણ ખાસ ભાર મૂક્યો હતો.
ઉક્ત બેઠક બાદ પ્રભારી સચિવ પી.ભારથીએ રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લઇ હોસ્પિટલ ખાતે પાછલા વર્ષોમાં ઉભી કરાયેલી સુવિધાઓનું રસપૂર્વક નિરિક્ષણ કર્યુ હતું. જેમાં કોવિડ હેલ્પ ડેસ્ક સેન્ટર, કેસબારી, RTPCR લેબ, ઉપલબ્ધ જમ્બો સિલીન્ડર, લિક્વીડ ઓક્સિજન ટેન્ક, જુદા જુદા વોર્ડ, PSA પ્લાન્ટ, ઓક્સિજન સુવિધા સાથેની બેડની ક્ષમતા વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા વગેરેએ સાથે રહીને પ્રભારી સચિવને જરૂરી સુવિધાઓથી વાકેફ કર્યા હતાં.
જિલ્લા પ્રભારી સચિવ પી.ભારથીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા પ્રસાશન-આરોગ્યતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરીને જરૂરિયાત મુજબની જરૂરી કાર્યવાહી સત્વરે હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં આગામી દિવસોમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેની જિલ્લા પ્રસાશનની પૂર્વ તૈયારીઓ બાબતે પણ સંતોષ વ્યક્ત કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન અપાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા