એક તરફ નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં કોવિડ વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળે વિદ્યાર્થીઓ દ્વારા કોવિડ 19 ના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને ગામડેથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને એસ.ટી.નો પાસ કઢાવવાની જરૂર હોય છે ત્યારે રાજપીપળા એસટી ડેપો ખાતે પાસ કઢાવવા આવતા વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે આ વિદ્યાર્થીઓ ચાલુ શાળાએ પોતાનું શિક્ષણ બગાડીને પાસ કઢાવવા એસટી ડેપો પર જોવા મળ્યા હતા. એટલું જ નહીં મોટી સંખ્યામાં આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પૈકી ૯૦ ટકા વિદ્યાર્થીઓએ માસ્ક પહેરેલા જ નહોતા! એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સના તો રીતસરના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા! બીજી તરફ એસટી ડેપો ઉપર અન્ય મુસાફરોની પણ આ જ હાલત જોવા મળી હતી. મોટાભાગના મુસાફરોએ પણ માસ્ક પહેરેલા જ નહોતા. અને એમણે પણ કોઈ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરેલું નહોતું. એસટી ડેપો ખાતે પણ મુસાફરો માટે સેનેટાઈઝરની કોઈ વ્યવસ્થા કરેલી જણાતી નહોતી. એસટી બસમાં ચડતા અને ઉતરતા મુસાફરોની ભીડ પણ કોરોના ની ત્રીજી લહેરને આમંત્રણ આપતું હોય એમ જણાતું હતું.
રાજપીપળા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં વેક્સિનેશનનું કામ શરૂ થયું છે ત્યારે એ મહત્વની રસી લેવાને બદલે વિદ્યાર્થીઓ ચાલુ શાળાએ પાસ કરાવવા તેમજ એસ.ટી ડેપો પરફરતા કરતા જોવા મળ્યા હતા. ત્યારે વાલીઓ અને શાળાના સંચાલકો આ બાબતને ગંભીરતાથી લે અને કોવિડ 19 ના નિયમોનું વિદ્યાર્થીઓ પાલન કરે એ જોવું પણ જરૂરી છે. શક્ય હોય તો વિધાર્થીઓના ડોક્યુમેન્ટ સામટા લઈને એસટી ડેપો પર શાળાનો એક કર્મચારી પાસ કઢાવી લાવે તો અસંખ્ય વિધાર્થીઓ કોરોના સંક્ર્મણથી બચી જાય અને ચાલુ શાળાએ પાસ કઢાવવા બહાર જતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે નહીં. એવી વાલીઓની પણ માંગ છે. નહિતર આ વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ બની શકે છે તેની સાથે શાળામાં અસંખ્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો પણ કોરોનાનો ભોગ બની શકે છે ત્યારે વિદ્યાર્થીઓને જાતે પણ કાળજી રાખવી જરૂરી જણાય રહી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
રાજપીપળા એસ.ટી ડેપોમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા : પાસ કઢાવવા આવતા વિદ્યાર્થીઓ માસ્ક વગર દેખાયા.
Advertisement