કોરોના સામે રક્ષણ આપવા માટે ગુજરાતમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની રસીકરણના આજથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ ૧૫ થી ૧૮ વર્ષની વયના ૨૭,૬૩૨ બાળકોને કોવિડ વેક્સિનેશનની રસી આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે. આજે બપોરે ૨:૩૦ કલાક સુધીમાં જિલ્લામાં ૨,૬૫૨ બાળકોનું રસીકરણ કરાયું હોવાનો અહેવાલ જિલ્લા આરોગ્યતંત્ર તરફથી પ્રાપ્ત થયો છે.
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા શહેરની નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના નવા વાઘપુરાની હાઇસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાએ કોવિડ વેક્સિનેશનના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. રાજપીપલા શહેરમાં નવદુર્ગા હાઇસ્કુલ ખાતે યોજાયેલા કોવિડ વેક્સિનેશનના કાર્યક્રમને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જણાવ્યું હતું કે, આજથી સમગ્ર જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વિરોધી વેક્સીન આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જિલ્લાના ૨૭,૬૩૨ જેટલા બાળકોને આવરી લેવાના આ મહાઅભિયાનમાં જિલ્લાની બધી શાળાઓમાં તાલુકા મથકે અને ગામડાઓમાં કેમ્પ શરૂ કરીને રસી આપવામાં આવી રહી છે.
નવદુર્ગા હાઇસ્કૂલના ૪૫૦ જેટલા બાળકોને પણ આ રસીકરણ હેઠળ આવરી લેવાયાં છે. તા. ૭ મી સુધીમાં જિલ્લાના તમામ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાશે, ત્યારબાદ તા. ૮ અને ૯ મી જાન્યુઆરીના રોજ બાકી રહેલા બાળકોની ખાસ ઝુંબેશ કરીને આ બાળકોની રસીકરણની કામગીરી પણ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે. નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે યોજાયેલા રસીકરણના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની સાથે શાળાના સંચાલકશ્રી નીમેષભાઈ પંડ્યા અને શાળાના આચાર્ય શ્રીમતી રીનાબેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. નવા વાઘપુરા ગામની ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.એ.કે.સુમન, શાળાના આચાર્યશ્રી પ્રદીપસિંહ સિંધા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા વેક્સિનેશન કાર્યક્રમમાં શાળાના બાળકોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.
ડૉ.ગામીતે વધુમાં જાણકારી આપતાં ઉમેર્યું હતું કે, આ બાળકોના રસીકરણ અભિયાન દરમિયાન જિલ્લાની ૧૨૯ જેટલી સ્કૂલોને આવરી લઇ ૨૭,૬૩૨ બાળકોને રસીકરણ આપવાનું આયોજન છે અને તે માટે ૨૫૫ જેટલી મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના તમામ શિક્ષકો સીઆરસી, બીઆરસી, આરોગ્ય વિભાગના તમામ આરોગ્ય-યોદ્ધાઓ સાથે જરૂરી સંકલન થકી આ મહાઅભિયાનને સુપેરે પાડ પાડવાની કામગીરી કરી રહ્યા છે. આ વેક્સિન સુરક્ષિત છે અને કોરોના સામે રક્ષણ આપે છે. તેવો સંદેશો સ્કૂલે જતા કે ન જતા તમામ બાળકોને સંદેશો પહોંચે તે ખૂબ જ જરૂરી છે અને તેવા પ્રયાસો પણ રહેલ છે.
આજે વેકસીનેશનનો લાભ લેનાર નવા વાઘપુરાની શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ધોરણ-૧૨ની વિદ્યાર્થીની તેજસ્વીનીબેન દેવેનભાઇ વસાવા જણાવે છે કે, મેં આજે કોરોનાની વેક્સિન લીધી છે. હું વેક્સીન લીધા બાદ અડધો કલાક ઓબ્ઝર્વેશન રૂમમાં બેઠી છું મને કોઈ આડઅસર થઇ નથી. એટલે મેં બધા વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે, આ રસી બધાએ લેવી જોઈએ આ રસીથી કોઈપણ આડઅસર થતી નથી. ૧૫ થી ૧૮ વર્ષના તમામ બાળકોએ આ રસી લેવી જોઈએ. આ રસી આપણાં માટે સુરક્ષિત છે. આ રસી લેવાથી કોરોના સામે રક્ષણ મળે છે. તેવી જ રીતે અન્ય વિદ્યાર્થીની વિમિષાબેન કંચનભાઈ વસાવા જણાવે છે કે, મેં પણ આજે કોવિડની રસી લીધી છે. હું આજે બહુ જ ખુશ છું. કારણ કે મને વેક્સિન મુકાઇ છે. આ રસીની કોઈ આડઅસર નથી. આ રસીથી કોરોના સામે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ૧૫ થી ૧૮ વર્ષના તમામ બાળકોને રસી મુકાવવા હું અપીલ કરું છું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા