ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે હાથ ધરાયેલ પાંચ દિવસીય “નદી ઉત્સવ” ઉજવણીના ભાગરૂપે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આજે સમાપન સમારોહમાં માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, ધારીખેડા સુગર ડેરી અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, સહિત અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ, આંગણવાડીની બહેનો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા આરતી તથા પુજાવિધિના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નદી ઉત્સવની ઉજવણી ગુજરાતની સાબરમતી, તાપી અને નર્મદા નદીના તટે અનેકવિધ કાર્યક્રમો થકી નદીઓને ઉજાગર કરવાનું કામ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા સહુની પણ એટલી જ જવાબદારી છે કે નદીઓને સ્વચ્છ રાખીએ. તેનું જતન કરવા ઉપરાંત તેની જાળવણી કરવા જણાવ્યું હતું. નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી સમાન છે ત્યારે અનેક ગામડાઓ અને શહેરો નદી કિનારે વસતા હોવાથી પીવાનું શુદ્ધ પાણી આપવાની સાથે લોકોને સ્વરોજગારી પણ નદીઓએ આપી હોવાનું જણાવ્યું હતું. નદીના દર્શન કરવાથી ધન્યતાની અનુભુતિ થતી હોય છે.
વધુમાં પુર્ણેશ મોદીએ ઉમેર્યું હતું કે, મનુષ્યના જીવનમાં નદીઓનો અનન્ય ફાળો રહેલો છે. ત્યારે આવનારી પેઢીઓને પણ તેનો લાભ મળે તેના માટે નદીઓને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની સાથે નદીઓની સ્વચ્છતા જાળવાવની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. નદીઓ થકી જ અનેક સજીવ સૃષ્ટિનુ નિર્માણ થયું હોવાની સાથે પર્યાવરણ નહી રહે તો મનુષ્યનું અસ્તિત્વ પણ ખુબ જ મુશકેલીઓવાળું બની જશે તેની સાથોસાથ અંબાજીથી લઇને ઉમરગામ સુધીના તમામ લોકો પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધતા હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ઘાટ ખાતે ગરૂડેશ્વર દત સંસ્થાના પુજારીઓએ મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, ધારીખેડા સુગર ડેરી અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે નર્મદા મૈયાની પુજાપાદ કર્યાબાદ સંધ્યા મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલમા સહભાગી બન્યા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા