અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આદેશથી નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા.27- 12-2021 ના રોજ ધરણાં કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા પ્રાથમિક શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. તેથી જિલ્લા સંઘના આહ્વાન પર શિક્ષકો ઉત્સાહથી મોટી સંખ્યમાં જોડાયા હતા. જૂની પેન્શન યોજના ચાલુ કરવા, સાતમા પગારપંચના તમામ લાભોની અમલવારી કરવા, ફિક્સ પગારની નીતિ દૂર કરવા તેમજ દસ વર્ષના બોન્ડ, જિલ્લા ફેર બદલી અને એસ.પી.એલ રજા અંગે સ્પષ્ટતા કરવા જેવા મહત્વના પ્રશ્નોને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી આવેદનપત્ર પહોંચાડવા માટે જિલ્લા સંઘના પ્રમુખ સુરેશભાઈ ભગત અને મંત્રી ફતેસીંગ વસાવાની આગેવાનીમાં તાલુકા સંઘના હોદ્દેદારો, રાજ્ય પ્રતિનિધિઓ અને જિલ્લાના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
નાંદોદ તાલુકાના પ્રમુખ સુનિલભાઈ ચાવડાની રાહબરી હેઠળ નાંદોદ તાલુકાના 200 થી પણ વધારે શિક્ષકો ધરણામાં જોડાયા હતા. જેમાં બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. આગામી કાર્યક્રમમાં હજુ પણ વધારે સંખ્યમાં શિક્ષકો જોડાય અને સાથે સાથે અન્ય કર્મચારીઓ અને આમ લોકો પણ જોડાય તેવું આયોજન થશે. જિલ્લા સંઘના પ્રમખ સુરેશભાઈ ભગતે કહ્યું હતું કે આમરી માંગો પૂરી નહી થાય અને જૂની પેન્શન યોજના ચાલુ નહી થાય ત્યાં સુધી અમે આંદોલન કરીશું. રાજ્ય સંઘ આદેશ કરશે તો ગાંધીનગર અને દિલ્હી ખાતે પણ આંદોલન કરીશુંએવી ચીમકી પણ આપી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા