દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે પંચ દિવસીય હાથ ધરાયેલ “નદી ઉત્સવ” ની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને નર્મદા નદીના સાનિધ્યમાં આજે ત્રીજા દિવસે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કરજણ જળાશય યોજના સિંચાઇ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરજણ ડેમના કાર્યપાલક ઈજનેરશ્રી એસ. એમ. પટેલ,સહિત શાળાના વિદ્યાર્થીઓઓની ઉપસ્થિતિમાં “નદી ઉત્સવ ઉજવણી” નો કાર્યક્રમ યોજાયો હતો.
નર્મદા નદીના સાનિધ્યમાં મહાદેવ મંદિર ખાતે રાજપીપલાની સ્પોર્ટ્સ સ્કૂલ, અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ, છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, ગરૂડેશ્વરની રોશની વિદ્યાલય, નર્મદા પરિક્રમાવાસીઓ, ગ્રામજનો સહિત અંદાજે ૧૦૦ થી વધુ લોકોએ યોગ, પ્રાણાયામ અને મેડીટેશનમા સહભાગી બનીને શરીરને તંદુરસ્ત રાખવા, મનને સ્વસ્થ રાખવા વિવિધ મુદ્રાઓ દ્વારા સ્વસ્થ જીવન માટેનો સંદેશો આપ્યો હતો. આ વેળાએ નર્મદા જિલ્લાના યોગ કોચ ધવલભાઈ પટેલ, જિલ્લાના પતંજલિ યોગ સચિવશ્રી પરેશભાઈ પટેલ અને હાર્ડફુલનેસ ઈન્ટ્રીટ્યુશનના દિવ્યાબા ઝાલાએ યોગ, પ્રાણાયામ અને મેડીટેશન વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
નર્મદા જિલ્લાના યોગ કોચ ધવલભાઈ પટેલે માધ્યમો સાથેના સંવાદમા જણાવ્યું હતું કે, યોગ અને પ્રાણાયામ નિયમિત રીતે કરવામાં આવે તો જીવન સ્વસ્થ્યપ્રદ તંદુરસ્ત બની રહે છે.યોગ અને પ્રાણાયામ કરીને અનેક રોગોને તિલાંજલિ આપી શકાય છે. કોરોના જેવી મહામારીમા પણ યોગ થકી શરીરની તંદુરસ્તી જાળવી શક્યા છીએ. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે સહુએ તમામ નદીઓનું જતન કરીને આવનારી પેઢીને અર્પણ કરીને સમાજ પ્રત્યેનું દાયિત્વ નિભાવવા પટેલે જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજપીપલા છોટુભાઈ ડિગ્રી કોલેજ, અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ, બોરીયા ગામની પીન્ટુલાલા વિદ્યામંદિર અને ગરૂડેશ્વરની સરકારી માધ્યમિક શાળાના ૧૬ જેટલા વિદ્યાર્થીઓએ ક્રાતિકારી થીમ પર સ્ટોરી ટેલીંગમા ભાગ લઇને ઉત્સાહભેર પોતાના વ્યક્તવ્યો રજુ કર્યા હતાં.
જ્યોતિ જગતાપ, રાજપીપલા