વીર શ્યામજી કૃષ્ણ વર્મા પ્રાથમિક શાળા નંબર 4 ની સરકારી પ્રાથમિક શાળામા ધોરણ 8 મા અભ્યાસ કરતી પાણીપુરી વાળાની દીકરી સ્ટેટ લેવલે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બનતા હવે નેશનલ લેવલે ભાગ લેવા યશભાગી બની છે.
ધોરણ-૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કરિશ્મા બેન શરમનસિંહ ખંગારે સ્ટેટ લેવલે યોજાયેલી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ દ્વારા આયોજિત સ્પર્ધામાં પ્રથમ વિભાગ નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે ઉપર સિસ્ટમમાં પ્રથમ વિજેતા થઇ હતી. હવે આ દીકરી નેશનલ લેવલે ફેબ્રુઆરી 2022 મા યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા જશે તે શાળા માટે ગૌરવની વાત કહેવાય.
અત્રે ઉલ્લેખનિય છે કે ભારત સરકાર દ્વારા ચાલતા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ તથા ઘોસ્ટ તથા ગુજકોષ્ટ અને લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળાના કલ્પનાબેન તથા શાળાના આચાર્ય કલ્પેશભાઈ મહાજન તથા વિજ્ઞાન શિક્ષક મેહુલભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. શાળાનું ગૌરવ વધારવા બદલ આ દીકરીને શાળા દ્વારા રૂપિયા ૧૦૦૦ ની રોકડ પારિતોષિક આપી તેનું સન્માન કર્યું હતું. તેમજ શાળાના વિજ્ઞાન શિક્ષક તરફથી 501 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્લમ એરિયામાં રહેતી દીકરીના પિતાજી વાઘેથા અને કુવારપરા ગામમાં પાણીપુરી વેચવાનું કામ કરે છે પણ તેમની દીકરીએ આ સિદ્ધિ મેળવનાર દીકરી માટે પિતા તરીકે ભારે ગૌરવની લાગણી અનુભવી હતી અને દીકરીને ખુબ આગળ ભણાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલે પણ દીકરીને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.
દીપક જગતાપ રાજપીપળા