સ્ટેચ્યુ ઓફ યુનિટીમા પ્રવાસીઓ માટે આજકલ હોટ ફેવરિટ ડેસ્ટીનેશન જંગલ સફારી બન્યું છે. જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે. હા આનંદ ના સમાચાર એ છે કે બચ્ચાના જન્મ સાથે જ જંગલ સફરીમાં અલ્પાકાની સંખ્યા હવે 4 થઈ છે. સાઉથ અમેરિકન દેશનું પ્રાણી છે આ અલ્પાકા આમ જંગલ સફારી ન માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ પણ હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે.
જંગલ સફારી પાર્કના નાયબ વન સંરક્ષક ડો રતન નાલા અને આરએફઓ ડૉ જાદવના જણાવ્યા અનુસાર સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ શક્ય બન્યું છે. અહીં ઊંચાઈવાળા ઠંડા પ્રદેશના ઊંટના કુળના આ નવતર પ્રાણીને ખૂબ કાળજી લઈને રાખવામાં આવ્યું છે. અહીં વસી ગયેલા દક્ષિણ અમેરિકાના મૂળ વતની શ્રીમાન અને શ્રીમતી અલ્પાકાને ત્યાં પારણું બંધાયું છે. ખૂબ કિંમતી ફર જેને આપણે કડકડતી ટાઢ સામે રક્ષણ આપતું ઊન કહી શકીએ, તેના માટે જાણીતા આ નવતર પ્રાણી યુગલને ત્યાં બચ્ચાના આગમનથી જંગલ સફારી રોમાંચિત થઈ છે. બાળ અલ્પાકાના આગમનને હર્ષથી વધાવતા જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું છે કે જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ બચ્ચાના જન્મ સાથે જ જંગલ સફારીમાં અલ્પાકાની સંખ્યા હવે 4 થઈ છે.
અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી/ પ્રાણી સૃષ્ટિના દર્શન સ્થળો હતાં. હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે. સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે અલ્પાકાનું પ્રજનન, ગર્ભાધાન અને બાળજન્મ આ બધું શક્ય બન્યું છે. યાદ રહે કે આ પ્રાણીને ખૂબ સુરક્ષિત, વિશ્વસનીય અને પ્રેમાળ વાતાવરણ મળે તો જ પ્રજનન અને ગર્ભાધાન સુધી વાત પહોંચે છે. ઊંટના કુળના આ પ્રાણી દંપતીને સંતાન પ્રાપ્તિથી જંગલ સફારીના છોગામાં જાણે કે એક પીંછુ ઉમેરાયું છે.
આ એક સૌમ્ય, શાંત,પ્રેમાળ અને કુતૂહલ વૃત્તિ ધરાવતું પ્રાણી છે જેને સરળતાથી પાળી શકાય છે. પેરુ અને બોલિવિયાની એન્ડીઝ પર્વતમાળાની ઊંચાઈ પર વસતા લોકો આ પ્રાણીને ઉછેરે છે કારણકે એના ઊન જેવા ગરમ વાળની ખૂબ ઊંચી કિંમત અંકાય છે. વર્ષમાં સરેરાશ એકવાર એની બાબરી ઉતારીને ઊન મેળવવામાં આવે છે. છેલ્લા ૫ હજાર કરતાં વધુ વર્ષોથી એ પ્રદેશના લોકો આ પ્રાણીનો ઉછેર કરે છે. પ્રાણી વિજ્ઞાન કહે છે કે આ પ્રાણીનું પાચનતંત્ર ખૂબ સક્ષમ છે. એટલે ઘેટાં – બકરા જેવા પ્રાણીઓ કરતાં તે કદમાં મોટું હોવા છતાં તેનો ખોરાક એમના કરતાં અર્ધો છે. નર ત્રણ વર્ષની ઉંમરે અને માદા ૧૪ થી ૧૮ મહિનાની ઉંમરે ગર્ભાધાન માટે પુખ્ત બને છે. તેનું આયુષ્ય અંદાજે ૨૦ વર્ષનું છે. જન્મ સમયે બચ્ચાનું વજન ૭ થી ૮ કી.ગ્રા.હોય છે જે પુખ્ત વયે વધીને ૭૫ કી.ગ્રા.જેટલું થઈ શકે છે. આ પ્રાણીનું હમશકલ પણ છે. Llma નામનું અન્ય એક પ્રાણી અલ્પાકાના, મેળામાં ખોવાઈ ગયેલા ભાઈ જેવું હમશકલ છે એટલે આ બે વચ્ચે ઓળખની મૂંઝવણ સર્જાય છે. જોકે Ilma કરતાં કદમાં તે નાનું છે. હવે પ્રવાસીઓને એમ કહી શકાય કે શ્રીમાન – શ્રીમતી અને બાળ અલ્પાકાને મળવું હોય તો કદાચ કેવડિયા જંગલ સફારી આવ્યા વગર છૂટકો નથી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા