આગામી તા.૧૯ મી ડિસેમ્બર, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં સરળ રીતે નિષ્પક્ષપણે યોજાય તેમજ લોકો વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃતિ કેળવવાના આશયથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ.હળપતિ, ચિટનીશ ટુ કલેકટર એસ.એમ.સોની, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ સહિત અધિકારીઓ-કર્મચારીઓએ આજે રાજપીપલા જિલ્લા સેવા સદન ખાતે “સહી ઝૂંબેશ” કેમ્પેઇનમાં ભાગ લીધો હતો.
તા.૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાનમાં મતદારો મહત્તમ ભાગ લઇ લોકશાહી શાસન પ્રણાલીને વધુ મજબુત બનાવાવની સાથે તેનું સંવર્ધન થાય તેમજ પોતે મતદાન કરીને પોતાના પરિવાર, પાડોશીઓ તથા મિત્રોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરીને લોકશાહીને વધુ મજબુત બનાવવા પોતાનુ યોગદાન આપશે તેવો સામૂહિક સંકલ્પ લીધો હતો.
નાયબ મામલતદાર પ્રવિણભાઇ ડાભીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ ને અનુલક્ષીને સ્વીપ કાર્યક્રમ અંતર્ગત સમૃધ્ધ, સશક્ત અને મજબુત લોકશાહીમાં વ્યક્તિ મતદાન કરીને મજબુત ભારતનું નિર્માણ કરશે તેના પ્રતિકના ભાગરૂપે નર્મદા જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ‘સહી ઝૂંબેશ’ માં સૌ અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા