રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાનારી નર્મદા જીલ્લામાં ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં સરળ રીતે નિષ્પક્ષ પણે યોજાય તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્રારા ગુજરાત વોટર સપ્લાઈ એન્ડ સેવરેઝ બોર્ડના ચીફ એડમિનીસ્ટ્રેટીવ એ.ડી.ચૌહાણની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકે કરાયેલી નિમણૂંક સંદર્ભે ચૌહાણે રાજપીપલા ખાતે આવી પહોંચીને તેમનો ચૂંટણી નિરીક્ષક તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.
નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણે રાજપીપલા ખાતે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર એચ.કે.વ્યાસ તેમજ રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને પ્રાંત અધિકારી કે.ડી.ભગત સાથે સાંજે બેઠક યોજીને ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણી-૨૦૨૧ સાથે સંકળાયેલા અધિકારીઓની વિગત, ચૂંટણીલક્ષી સામગ્રી, મતદાન મથકોની વિગતો સહિત કાયદો અને વ્યવસ્થા જાળવણીની બાબતો અંગે જરૂરી વિચાર-વિમર્શ કરી આંકડાકીય વિગતો મેળવી હતી. નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણનો મો.નં. ૯૯૨૫૩૭૫૮૫૯ ઉપર સંપર્ક સાધી શકાશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા નર્મદા ચૂંટણી વિભાગ દ્વારા જણાવાયું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા