આજે રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગત મોડી રાતથી જ અચાનક કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. આખી રાત ભર શિયાળે વરસાદ પડવાનો શરૂ થયો હતો અને આજે સવારથી જ આખો દિવસ સતત ભારે વરસાદ તૂટી પડતા ભર શિયાળે ચોમાસાનો માહોલ છવાયો હતો. જેમાં ખાસ કરીને કમોસમી ભારે વરસાદથી ખેતીના પાકને મોટો ફટકો પડયો છે. જેમાં આ માવઠાથી કપાસ, તુવેર, ઘઉં, શાકભાજી, શેરડીના પાકને નુકશાન થયાના અહેવાલ છે. કોરોના પછી છેલ્લા બે માસમાં બે વાર માવઠા, કમોસમી વરસાદના મારથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
હાલ કપાસની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે. નર્મદામાં ચાલુ સાલે કપાસનો મબલખ પાક થયો છે. ખેડૂતોના ખેતરમાં કપાસ તૈયાર થઈને નીકળી રહ્યો છે. આવા સમયે કમોસમી વરસાદથી કપાસ પલળી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. કપાસના ભાવ પણ સારા મળી રહ્યાં છે ત્યારે આ બગડેલા કપાસથી ખેડૂતોને નુકશાન થવાથી ભારે ચિંતિત બન્યા છે. એ ઉપરાંત તુવેરના છોડ ઉપર પણ પુષ્કળ પ્રમાણમાં પીળાં ખીલેલા ફૂલો તુવેરનો પાક પણ બગડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. તુવેર, પાપડી અને શાકભાજીના પાકને પણ નુકશાન થયું છે.
આજે ખેતરોમાં પાણી ભરાવાથી ખેતીના પાકને નુકસાન થતા ચિંતિત બનેલા ખેડૂતો પોતાનો પાક બચાવવા ખેતરોમાં નીકળ્યા હતા પણ ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાથી અંદર જઈ શક્યા નહોતા અને ખેડૂતો ઉભો પાક બચાવવા જોતરાઈ ગયા હતા. હાલ શિયાળાની ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે કમોસમી વરસાદી માહોલથી વાતાવરણ બરફ જેવું ઠંડુ થઈ જતા લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા