નર્મદા જિલ્લાના કર્મચારી, અધિકારિઓને બિરદાવવાનો નવતર અભિગમ પહેલીવાર કલેકટરે અપનાવ્યો છે. જેમાં કલેક્ટર ડી.એ શાહે વિવિધ કચેરીએ સામે ચાલીને પહોંચી સરપ્રાઇઝ સાથે વિવિધ અધિકારીઓ, કર્મચારીઓનું કર્યુ ગૌરવભર્યુ વિશિષ્ટ સન્માન પ્રદાનકરી સૌને ચોકાવી દેતા કર્મીઓ ગદગદિત થઈ ગયા હતા.
નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ.શાહે રાજપીપલા કલેકટરાલય ખાતે વિવિધ શાખાઓમાં નાયબ મામલતદાર તરીકે, રિસર્ચ ફેલો તરીકે તેમજ જિલ્લા માહિતી કચેરીમાં નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા ચૂનંદા કર્મયોગીઓનું જે તે શાખામાં તેમજ જિલ્લા માહિતી કચેરી ખાતે પહોંચીને આ કર્મયોગીઓની નોંધપાત્ર કામગીરી-આઉટસ્ટેન્ડીંગ સેવાઓ બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. શાહે નાયબ માહિતી નિયામક વાય.આર.ગાદીવાલા, નાયબ મામલતદાર ગોવિંદ કરમુર, હિતેશ પ્રજાપતિ અને પૂર્વીબેન પરમાર તથા ઇ.ચા. નાયબ મામલતદાર જયરામ જોષી તેમજ રિસર્ચ ફેલો હિરણ્યા કાલાકુરી સહિત સંબંધિત કર્મયોગી પાસે સામે ચાલીને તેમની ફરજની બેઠક વ્યવસ્થાના સ્થળ પાસે જઇને સરપ્રાઇઝ સાથે પ્રશસ્તિપત્રના રૂપમાં ગૌરભર્યુ વિશિષ્ટ સન્માન પ્રદાન કર્યુ હતું.
જિલ્લા કલેક્ટરના ઉક્ત સન્માનના અણધાર્યા તોહફાથી સન્માનિત કર્મયોગીઓએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર સાહેબે નિખાલસપણે ખૂબજ ઉદારતાથી વહિવટી પરિપ્રેક્ષ્યમાં પ્રોટોકોલને અવગણીને અમારી જગ્યા પાસે આવીને અમારું જે સન્માન કર્યું તે આ ઘડી અમારા જીવનની ધન્ય ઘડી બની રહેશે અને તે માટે અમે શાહ સાહેબના હંમેશા ઋણી રહીશું.
કલેક્ટર શાહે આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ વર્ષથી રાત-દિવસ જોયા વિના કચેરી સમય પહેલા કે કચેરી સમય બાદ, વાર-તહેવાર-જાહેર રજાનો દિવસ હોય કે ગમે તે ઘડીએ એક ક્ષણના પણ વિલંબ વિના આ અધિકારીઓ/કર્મચારીઓએ પૂરેપુરી ખંત, નિષ્ઠા, ગંભીરતાપૂર્વક વહિવટીતંત્રની અપેક્ષા કરતાં પણ અદભૂત અને આઉટસ્ટેન્ડીંગ સેવાઓ બજાવી છે.જેને ચરિતાર્થ કરવા મેં આ અધિકારી/કર્મચારીઓના ટેબલ પાસે જઇને અન્ય અધિકારીઓ/કર્મચારીઓની વચ્ચે તેમને પ્રશસ્તિપત્રોના રૂપમાં સરપ્રાઇઝ ગીફ્ટ આપીને તેમની કામગીરીને બિરદાવવાની સાથે વ્યક્તિગત રીતે આ તમામને પ્રોત્સાહિત કરાયાં છે, જેનો મને અનહદ આનંદ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા