ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમ્યાન રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ અને જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ સનદી અધિકારીઓ સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ સાથે યોજેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારાસભ્ય પી.ડી.વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના તાકીદે ઉકેલ માંગી લેતા મહત્વના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી. અને કેટલાંક પ્રશ્નો રાજ્યકક્ષાએથી ઝડપથી ઉકેલાય તે માટે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જિલ્લાના સ્થાનિક પદાધિકારીઓ,અધિકારીઓ સાથે સંબંધિત વિભાગના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લાના પ્રજાજનોની સવલત-સુવિધાઓ માટે સુચારૂં ઉકેલ લાવવામાં આવશે, તેવી ખાત્રી ઉચ્ચારી હતી.
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે બેઠકના પ્રારંભે મંત્રી પૂર્ણેશ મોદી સહિત જિલ્લાના પદાધિકારીઓને આવકાર્યા હતાં અને જિલ્લા પ્રસાશન દ્વારા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે થયેલી નોંધપાત્ર કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મંત્રીને વાકેફ કર્યા હતાં. તદઉપરાંત નર્મદા જિલ્લાની રચના બાદ “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ સહિત સૌ પ્રથમવાર હાથ ધરાયેલી વિવિધ પ્રજાહિત અને લોકકલ્યાણલક્ષી કામગીરીની રૂપરેખા આપી હતી.
સંકલન સમિતિની બેઠકમાં રાજપીપલાની એન્જિનીયરીંગ કોલેજના બાંધકામ, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બાયપાસ રોડ, SOU થી ભરૂચ અંકલેશ્વર રોડ, કરજણ ડેમમાંથી તાજેતરમાં છોડાયેલા પાણીથી થયેલા ધોવાણ, આરોગ્ય સેવાઓમાં તબીબોની ઘટ તેમજ આરોગ્ય સેવાઓને લગતી માળખાગત સુવિધાઓ, રાજપીપલા શહેરને શુધ્ધ પીવાના પાણી માટેના શુધ્ધિકરણ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર યોજના, ઇકો ટુરીઝમ વિકાસ, કૃષિ વિજ જોડાણ, નવા TC ની ફાળવણી અને જરૂરી દુરસ્તી ઉપરાંત શિક્ષણ-સિંચાઇ સુવિધા વગેરે જેવી બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા સાથે ઝડપી અને યોગ્ય ઉકેલ માટે સંબંધિત અમલીકરણ અધિકારીઓને મંત્રીએ જરૂરી સૂચના અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાની વર્ષો જૂની સમસ્યાઓ અને પ્રાણ પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ સાથે તંદુરસ્ત ચર્ચા કરવા ઉપરાંત ઝીણવટભરી તપાસ કરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સંકલન કરાયું છે. અને જિલ્લાના પ્રશ્નોના ઝડપી ઉકેલ સાથે લોકોને તાત્કાલિક જરૂરી સુવિધા-સવલતો મળી રહે તેવી નેમ સાથે સરકાર કામ કરી રહી છે. અને તેના ભાગરૂપે કેટલાંક મોટા આઠ-દસ પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તે માટે ગાંધીનગર ખાતે ઉચ્ચકક્ષાની બેઠક કરાશે. આમ, સમાજના છેક છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પનાને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રજાની જનસુખાકારીમાં વિકાસકામો ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે જોવાની તેમણે ખાસ હિમાયત કરતાં ઉમેર્યું હતું કે, આવી બાબતમાં કોઇપણ પ્રકારની ઢિલાશ કે કચાસ ચલાવી લેવાશે નહિ અને કસૂરવાર સામે કાયદેસરના પગલાં ભરાશે.
દીપક જગતાપ, રાજપીપલા