દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના દરેક જિલ્લાઓમાં મિલન કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧ મી તારીખે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાકક્ષાનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપીપલા ખાતે પહેલીવાર નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નર્મદા ભાજપાના સ્નેહમિલન કાર્યક્રમમા ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં નર્મદા ભાજપા કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ ઉપરાંત આ સ્નેહમિલન કાર્યક્રમમા રાષ્ટ્રીય ટ્રાઈફેડના ચેરમેન રામસીગભાઈ રાઠવા, રાજ્યના કેબિનેટ મંત્રી અને પ્રભારી પૂર્નેશ મોદી તથા ભરુચના સાંસદ મનસુખ ભાઈ વસાવા, પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલા, હર્ષદ વસાવા, શબ્દશરણ તડવી નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, મહામંત્રી નીલ રાવ સહીત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો તથા જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓનું મનોબળ વધારી પાર્ટીમાં કાર્યકર્તા જ સર્વેસરવા હોવાનું જણાવી આગામી ચૂંટણીમા ગુજરાત વિધાનસભામા ભવ્ય વિજય ભાજપાને મળશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને પ્રજાના કામો કરવા અનુરોધ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ સ્નેહમિલન કાર્યક્રમમમા સાંસદ મનસુખભાઇએ જણાવ્યું હતું કે આ જિલ્લા કક્ષાનું દિવાળી પછીનું સ્નેહમિલન છે. આ સ્નેહમિલન કાર્યક્રમમમા આગામી વિધાનસભાની ચૂંટણી જીતવાની છે તેના સંકલ્પ સાથે પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ વધારવા અને સંગઠન મજબૂત બનાવવા અંગેની તથા સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા તેમજ કાર્યકર્તાએ કરેલા કામોની સમીક્ષા તથા આવનારા નવા આયોજનો અંગેની ચર્ચા હાથ ધરાઈ હતી. તેમજ નર્મદા જિલ્લામા આગામી દિવસોમાં કરોડોના વિકાસના કામો હાથ ધરાશે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રદીપ સિંહ વાઘેલા, મંત્રી પૂર્નેશ મોદીએ પણ પ્રસંગિક પ્રવચન કરી સ્નેહ મિલન કાર્યક્રમમા કાર્યકર્તાઓને આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત યોજાનારા કાર્યક્રમમાં આ પ્રોજેક્ટનો લોગો, વેબસાઇટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું મુખ્યમંત્રી પટેલે લોન્ચીંગ કર્યું હતું.
સમગ્ર ભારત/રાજ્યનો કોઇપણ જિલ્લો ઉપયોગ કરી શકે તે રીતે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ વેબસાઇટ તથા વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. તદ્ઉપરાંત અંદાજે રૂા.૯૫/- લાખના ખર્ચે લોકભાગીદારીથી PPP ધોરણે તૈયાર થયેલ CNG આધારિત રાજપીપલા સ્મશાનગૃહ, પ્રોજેક્ટ કાર્યાલય અને સખી મંડળ સંચાલિત જિલ્લા સેવા સદન ખાતેના કેન્ટીનની તક્તીનુ અનાવરણ કરીને તેનું લોકાર્પણ પણ કરાયુ હતું.
રાજપીપલામાં “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમ સ્થળે પ્રોજેક્ટના બુથની પણ મુખ્યમંત્રી પટેલે મુલાકાત લીધી હતી અને આ બુથમાં આ પ્રોજેક્ટ અંતર્ગત ઉપયોગમાં લેવાતા સર્વે ફોર્મ, ચેકલીસ્ટ, વિવિધ પ્રકારના ૧૬ રજીસ્ટરો, વિવિધ રિપોર્ટ, SOP / માર્ગદર્શિકા પુસ્તિકા, ભોજન ડિલીવરી માટેનો ભોજન રથ સહિત સમગ્રતયા પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહેલી કામગીરીની કાર્યપધ્ધતિનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા