ડેડીયાપાડાના ભરાડા ગામે વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની મળેલી બાતમીને આધારે એલસીબી ત્યાં ચેકીંગ માટે ગઈ હતી,દરમિયાન બુટલેગરોએ પોલીસ ટિમ પર તલવારથી હુમલો કર્યો.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભરાડા ગામે દારૂની રેઇડમાં ગયેલ નર્મદા LCB ટિમ પર બુટલેગરોએ તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.જો કે પોલીસ જવાનોએ પોતાની હિંમત બતાવી જાનનાં જોખમે બુટલેગરો પાસેથી તલવાર ખુંચવી ત્રણની ધરપકડ કરી હતી.જોકે અંધારાનો લાભ લઇ એક બુટલેગર ફરાર થઈ ગયો હતો.રેડ દરમિયાન પોલીસે ૨૯ પેટી દારૂ,1 ક્રુઝર ગાડી મળી 5,18,500 મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગુરુવારની મોડી રાત્રે નર્મદા LCBનાં PSI એ.ડી.મહંત,ઇન્દ્રજીતસિંહ વાઘેલા સહીત ૮ પોલીસ જવાનો ડેડીયાપાડામાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી તરફથી એક તૂફાન ક્રુઝર દારૂ ભરીને ડેડીયાપાડાના ભરાડા ગામ તરફ આવી રહી છે.બાદ બાતમીને આધારે LCB ટીમે ભરાડા ગામે વોચ ગોઠવી હતી.જેમાં MH 19 CF 4652 નંબરની તૂફાન ક્રુઝર ત્યાં આવી હતી અને તેમાંથી 4 ઇસમો દારૂ ઉતારતા હતા તે સમયે જ પોલીસે રેઇડ કરતા જ બુટલેગરોએ પોલીસનો સામનો કરવા માટે “સાલોકો કાટ ડાલો” કહી ગાડીમાંથી તલવારો કાઢીને પોલીસ પર હુમલો કર્યો હતો.દરમિયાન જીવનાં જોખમે નર્મદા LCB ના જવાનોએ બુટલેગરો પાસેથી તલવારો ખેચી લઇને ૩ બુટલેગરોને જબ્બે કર્યા હતા.જો કે અંધારાનો લાભ લઇ સ્થાનિક બુટલેગર પોલીસને ધક્કો મારીને ફરાર થયો હતો.
પોલીસે બુટલેગરો સાથે ઝપાઝપી કરતા એક હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર ઈશ્વર વસાવાને સામાન્ય ઇજા થઇ હતી.બાદમાં પોલીસે 29 પેટી ઇંગ્લીશ દારૂ રૂ.1.15 લાખ તથા તૂફાન ક્રુઝર સહીત 5,18,500 રૂ.નો મુદામાલ જપ્ત કર્યો છે.તો પોલીસે રાજેશ પ્રભાકર વસાવે,રૂપેશ કાંતીલાલ વસાવે તથા રાજેન્દ્ર ઉર્ફે નકો રામજી વસાવાની ધરપકડ કરી હતી જ્યારે અજય કાલીદાસ વસાવાને વોંટેડ જાહેર કર્યો છે.સમગ્ર બનાવ બાબતે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી છે.નર્મદા જીલ્લો મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો જીલ્લો છે.અને આ બોર્ડર પરથી અવાર નવાર દારૂ ઘુસાડવાનાં પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ નર્મદા પોલીસની LCB સામે તલવારો ખેચતા હિમત બતાવીને બુટલેગરોને ઝડપવામાં સફળતા મળી છે.આ મામલે પીએસઆઇ ઇન્દ્રજીતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આ ત્રણેવ આરોપીઓ અગાઉ પણ 3 ગુનામાં ઝડપાયેલા હતા.આ તમામ આરોપીઓને ડેડીયાપાડા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરાશે.
#પોલીસ આરોપીઓને કોર્ટ સુધી ઉઠક બેઠક કરાવતી કરાવતી લઈ ગઈ.
ડેડીયાપાડામાં બુટલેગરોએ એલસીબી પોલિસ પર તલવાર વડે હુમલો કરતા ખળભળાટ મચી ગયો હતો.તો બુટલેગરોને સબક શીખવાડવા અને બીજી વાર કોઈ આવી હિંમત ન કરે એ માટે નર્મદા એલસીબી પીએસઆઇ વાઘેલા સહિત પોલીસ ટિમ તમામ આરોપીઓને ડેડીયાપાડા પોલીસ મથકેથી કોર્ટ સુધી ભર બજારમાં વરઘોડો કાઢી,ઉઠક બેઠક કરાવતી કરાવતી લઈ ગઈ હતી.
#નર્મદા જિલ્લામાં પોલીસ પર હુમલાની આ ત્રીજી ઘટના.
એક વર્ષ અગાઉ સાગબારના તત્કાલીન પીઆઇ રાજેન્દ્રસિંહ ગોહિલે દારૂ ભરેલી ટ્રકનો પીછો કર્યો હતો.ત્યારે બુટલેગરોએ ટ્રક પીઆઈ પર ચઢાવી દેવાની કોશીશ કરી હતી.જોકે આ ઘટનામાં તેઓનો બચાવ થયો હતો.જ્યારે થોડા દિવસ અગાઉ કેવડિયાના ડીવાયએસપી અચલ ત્યાગીએ પોતાની ટિમ સાથે જંતર ગામે પ્રોહીબેશન રેડ પાડી હતી ત્યારે પણ બુટલેગરોએ એમની પર પથ્થરમારો કર્યો હતો.બાદ ડેડીયાપડામાં બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલાની આ ત્રીજી ઘટના બની છે.જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો ધુંઓ પુઆ બની જતા પોલીસ પર હાવી થવા હુમલાઓ કર્યા પણ નર્મદા પોલીસે એને નિષ્ફળ બનાવ્યો હતો.