31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. જેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છેતો બીજી તરફ આદિવાસી સમાજના કેટલાક લોકોએ આ કાર્યક્રમનો વિરોધ શરૂ કર્યો છે. જે અનુસંધાને ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસનો આદિવાસી સમાજ બહિષ્કાર કરશે. આદિવાસી વિસ્તારમાં આ વર્ષે પણ ૩૧ ઓક્ટોબરના રોજ અન્ન જળનો ત્યાગ કરી. કાળી પટ્ટી ધારણ કરી, કાળી ધજા ફરકાવીને ભાજપના કાર્યક્રમનો બહિષ્કાર કરશે.
આદિવાસી અગ્રણી પ્રફુલ પટેલના જણાવ્યા અનુસાર કેવડિયા વિસ્તારમાં આદિવાસીઓની જમીનો પડાવવા ભાજપ સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ બનાવી આદિવાસીઓના બંધારણીય અધિકારો પર તરાપ મારી છે. રાષ્ટ્રીય એકતા દિવસ એટલે આદિવાસીઓની જમીનો પર જબરદસ્તી કબ્જો કરવાનો દિવસ અમે સરદાર પટેલની જયંતિ ઉજવીશું. પરંતુ ભાજપ સરકારના સરદાર પટેલ નામે આદિવાસીઓની જમીનો લુંટ સમાન રાષ્ટ્રીય એકતા દિવસનો અમે બહિષ્કાર કરીએ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે સરદાર પટેલ સાહેબને આગળ કરી ભાજપ સરકાર આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કરી રહી છે જેનો આદિવાસી સમાજ વિરોધ કરે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આદિવાસી શોષણનું પ્રતિક સમાન બનતી જાય છે. ભાજપ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસી સંસ્કૃતિ, અસ્મિતા અને અખંડિતતા, બંધારણીય અધિકારો ખતમ કરી રહી છે જેનો આદિવાસી સમાજ વિરોધ કરે છે એમ ડો. પ્રફુલ વસાવાએ જણાવ્યું છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા