ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર તથા એન્જીનીયર્સ ઇન્ડિયા લી. (EIL) ની સામાજીક જવાબદારી (CSR) કાર્યક્રમ અંતર્ગત એલ્મિકો-ભારત સરકારના ઉપક્રમે તથા નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી નાંદોદ તાલુકાના વાવડી ગામની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-ખાતે નર્મદા જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને “સ્વનિર્ભર તથા આધુનિક જીવન જીવવા પ્રેરણા તેમજ સહયોગ થવા સહાયરૂપ” એક દિવસીય દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પના યોજાયેલા કાર્યક્રમને છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, શહેરના અગ્રણી રમણસિહ રાઠોડ, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, એલ્મિકો કંપનીના જુનિયર મેનેજર મૃદુલભાઈ અવસ્થી સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ, લાભાર્થી દિવ્યાંગજનો વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.
છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ જેવું સન્માનજનક નામ આપ્યું છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે, તેની સાથોસાથ દિવ્યાંગ લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થવાથી તેઓ સશક્ત બન્યાં છે. દિવ્યાંગ લોકો આત્મસન્માનથી જીવી શકે તેવો આ સરકારનો અભિગમ છે. આત્મનિર્ભર અને આધુનિક પરિસ્થિતિમાં જીવનનિર્વાહ કરી શકે તે હેતુસર સંતસુરદાસ યોજના, દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય યોજના અમલમાં મુકીને દિવ્યાંગોને સરકાર મદદ કરી રહી છે.
ગીતાબેન રાઠવાએ વધુમાં ઉમેર્યું હતું કે, દિવ્યાંગજનોને કુદરતે અમુક પ્રકારની ખામી આપી હશે પરંતુ તેની સામે અનેકગણી આવડત આપી હશે જેનો મક્કમતાથી ઉપયોગ કરીને સફળ બની શકે છે. સરકારની યોજનાઓનો લાભ લઈને દેશના દિવ્યાંગોએ નામના મેળવી હોવાનું તેમણે જણાવ્યું હતુ.
ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અને રાજ્યના મુખ્યમંત્રીએ પણ દિવ્યાંગજનો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. સરકારી કચેરીઓમાં દિવ્યાંગજનોને સરળતાથી લાભો મળી રહ્યાં છે. વિવિધ યોજનાઓનો લાભ દિવ્યાંગોએ અવશ્ય લેવો જોઈએે. દિવ્યાંગોને કુદરતે અનેક પ્રકારની આગવી શક્તિ આપી હોય છે તેનો મકકમતાથી ઉપયોગ કરીને જીવનને ઉજાગર કરી શકાય છે. દિવ્યાંગજનો આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે અંદાજે કુલ રૂા.૩૧.૩૪ લાખના ખર્ચે નર્મદા જિલ્લાના ૧૬૩ દિવ્યાંગ લાભાર્થીઓને મોટોરાઈઝડ ટ્રાયસીકલ, એક્સિલા ક્રચ, ફોલ્ડીગ વ્હીલચેર, સાંભળવાનું મશીન, સ્માર્ટ કેન, વોકીંગ સ્ટીક, બ્રેઈલ કિટ્સ, સ્માર્ટ ફોન સહિત વિવિધ ૨૧ સાધન સહિત કુલ-૨૫૦ સાધન સહાયનું વિતરણ કરાયું હતું. તેની સાથોસાથ “નોધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત યુનિક કાર્ડ, બસપાસ અને એક લાભાર્થીને વૃદ્ધ માસિક પેન્શનનો મંજૂરી હુકમ એનાયત કર્યો હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા