સાગબારા તાલુકામાં આવેલું મોટી દેવરૂપણ ગામ દર ચોમાસા દરમિયાન તાલુકાના અન્ય ગામોથી સંપર્ક વિહોણું બની જાય છે, જેનું એકમાત્ર કારણ ઉકાઈ ડેમનું પાણી.ડેમમાં ભરાતા પાણી મોટી દેવરૂપણ ગામ સુધી આવી જાય છે ને તેના કારણે રસ્તાઓ ઉપર ફરી વળે છે, જેથી વાહન વ્યવહાર બંધ થઈ જાય છે ને ગામ સંપર્ક વિહોણું બને છે.
મળતી માહિતી મુજબ સાગબારા તાલુકામાં આવેલ મોટી દેવરૂપણ ગામ હાલ તાલુકાના અન્ય ગામોથી સંપર્ક વિહોણું બન્યું છે.1971 ની સાલમાં ઉકાઈ જળાશય યોજના અમલમાં આવતા ઉકાઈ ડેમ સાકાર થયો ને સમગ્ર ગુજરાતમાં વિઝળી ઝળહળતી થઈ ઉઠી હતી, જેમાં સાગબારા તાલુકાનું મોટી દેવરૂપણ ગામ વિસ્થાપિત થયું હતું.જેના કારણે આજે 50-50 વર્ષ વીતી જવા છતાં ગામને અન્ય ગામો સાથે જોડતો રસ્તો કે જેનું અંતર માત્ર ને માત્ર અઢી કિલોમીટર જેટલું જ છે ,તેમ છતાં રસ્તા બાબતે ખુબજ અન્યાય કરવામાં આવી રહ્યો છે.
મોટી દેવરૂપણ ગામે જતો રસ્તો નીચાણ વાળો હોઈ ચોમાસા દરમિયાન ઉકાઈ જળાશય નું પાણી તેના પર ફરી વળે છે.ને સમગ્ર ગામ સંપર્ક વિહોણું બની જાય છે, હાલ પણ આજ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.વર્ષોથી ગ્રામજનોએ વારંવારની રજુઆતો કરવા છતાં સમસ્યા ઉકેલવાનું તંત્રને સૂઝતું નથી.ગત વર્ષે પણ આજ સ્થિતિ નું નિર્માણ થતા આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્થળ ઉપર જઈ તાગ મેળવ્યો હતો. તેમ છતાં પણ કોઈજ ઉકેલ આવ્યો ન હતો.ત્યારે હાલ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને પગલે ફરી પાછા ઉકાઈ જળાશય ના પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યાં છે,ને સમગ્ર ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
ગામમાં પ્રવેશદ્વાર રસ્તા ઉપર નીચાણવાળું નાળુ હોઈ તેના પર ત્રણ થઈ ચાર ફૂટ જેટલું પાણી ભરાઇ જાય છે ને વાહન વ્યવહાર સદંતર બંધ થઇ જાય છે. શાળા કોલેજ કે કોઈ આકસ્મિક ઘટના કે પછી 108 જેવી ઇમરજન્સી સેવા માટે પણ હાલ ગામ લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. પશુપાલન કરતા લોકોએ પણ ડેરીમાં દૂધ ભરવા માટે તકલીફો વેઠવી પડી રહી છે. ત્યારે વહેલીટકે આ સમસ્યા નો ઉકેલ આવે તેવી માંગ મોટી દેવરૂપણના ગ્રામજનો દવારા કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે તંત્રના બહેરા કાને ગ્રામજનોનો અવાજ પહોંચે છે કે નહીં?.ત્યારે ગ્રામજનો નું કહેવું છે કે તેઓની સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે.ગુજરાત ની વિકાસશીલ સરકાર અહીંની સમસ્યા અંગે શુ પગલાં ભરે છે તે હાલ જોવું રહ્યું.
તાહિર મેમણ :સાગબારા