ગુજરાતના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, રાજપીપલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા વગેરે સહિત તબીબો- આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં સરદાર ટાઉન હોલ ખાતે પી.એમ કેયર્સ અંતર્ગત PSA ઓક્સિજન પ્લાન્ટનાં ઈ-લોકાર્પણના જિલ્લાકક્ષાના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મુકાયો હતો.
મંત્રી નરેશભાઇ પટેલે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને રાજપીપલાની સિવિલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લાના લોકોને આરોગ્યલક્ષી સારવાર સમયસર મળી રહે તે માટે સરકાર દ્વારા અદ્યતન પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલ સહિત તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટની સુવિધા પૂરી પાડી છે, જેનાથી સંભવતઃ ત્રીજી લહેર સામે આપણે રક્ષણ મેળવી શકીએ.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, સરકારની સાથોસાથ જિલ્લા પ્રશાસન તેમજ જિલ્લાના પદાધિકારીઓ-સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને કોરોનાની પ્રથમ-બીજી લહેરનો સામનો કર્યો છે, લોકડાઉનના સમયગાળા દરમિયાન લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવ્યું છે. નર્મદા જિલ્લો એસ્પિરેશન જિલ્લો છે, નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા લોકોને પણ પી.એમ કેયર્સ અંતર્ગત ફળવાયેલા PSA ઓક્સિજન પ્લાન્ટ કુલ-૫૦૦ લિટર/મિનિટની ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ છે, જેમાં એક સાથે કુલ-૫૦ પથારીઓને ઓક્સિજન પૂરો પાડી શકાશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને દેશ અને દુનિયાના નકશામાં નર્મદા જિલ્લાનું નામ અંકિત કર્યું છે. તેની સાથોસાથ ટ્રાઇબલ મ્યુઝિયમ અને ટ્રાયબલ યુનિવર્સિટી પણ પૂરી પાડી છે. તેમણે નર્મદા જિલ્લામાં કોવિડને અનુલક્ષીને ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા કલેક્ટરશ તેમજ આરોગ્યતંત્રને અભિનંદન આપ્યા હતા. દેશના વડાપ્રધાને કોવિડ-૧૯ ની રસી ભારત દેશમાં જ બનાવીને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લામાં કોવિડ વેક્સિનેશનની ૯૬ ટકા કામગીરી કરી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં રાજ્ય સરકાર દ્વારા વેન્ટિલેટર, ઓક્સિજન પ્લાન્ટ જેવી અનેકવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ જિલ્લાની હોસ્પિટલ સહિત તાલુકાની હોસ્પિટલો સુધી પહોંચાડીને છેવાડાના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ પુરૂ પાડી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી નરેશભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે કોવિડ-૧૯ માં ઉત્તમ કામગીરી કરવાં બદલ સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, તબીબો અને આરોગ્યકર્મીઓને શાલ ઓઢાડી, પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું હતું.
ઉત્તરાખંડ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ભરૂચ ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા પી.એમ કેયર્સ અંતર્ગત PSA ઓક્સિજન પ્લાન્ટસના ઈ-લોકાર્પણના કાર્યક્રમનું ઓનલાઇન માધ્યમ થકી જીવંત પ્રસારણ નિહાળવાની સાથે PSA ઓક્સિજન પ્લાન્ટ નિમિત્તે ફિલ્મ નિદર્શન પણ ઉપસ્થિત સહુ કોઈએ નિહાળ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયાબાદ મંત્રી નરેશભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજપીપલાની જૂની સિવીલ હોસ્પિટલના સંકુલ ખાતે PM Cares અંતર્ગત PSA ઓક્સિજન પ્લાન્ટસનું લોકાર્પણ કરાયું હતું. મંત્રીશ્રી નરેશભાઇ પટેલે ઓક્સિજન પ્લાન્ટની સ્વીચ ઓન કરીને ઓક્સિજન ઉત્પાદન માટે પ્લાન્ટને ખૂલ્લો મૂક્યો હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા