જિલ્લા કલેકટર ડી. એ.શાહના યશસ્વી નેતૃત્વ હેઠળ “ જેનું કોઈ નહિ તેની સરકાર ” ની ઉદાત્ત ભાવનાને સાકાર કરતો “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં અસરકારક રીતે અમલમાં છે. હવે આ પ્રોજેક્ટ રાજ્યના શહેરો અને જિલ્લાઓમાં અતિ ગરીબના કલ્યાણના રાજ્ય સરકારના અભિગમને ચરિતાર્થ કરવાનું મોડેલ બને એવી ઉજળી શક્યતાઓ સર્જાઈ છે.
કલેકટર અને “ ટીમ નર્મદા ”એ આ પ્રોજેક્ટના ખૂબ જ સંવેદનાસભર પાસાંઓ અને અભિગમો તથા અમલીકરણની કાર્ય પદ્ધતિનું અસરકારક નિદર્શન રાજ્યના મુખ્યમંત્રી શ ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ગાંધીનગરમાં કર્યું હતું. રાજ્ય પ્રશાસનના ટોચના ઉચ્ચધિકારીઓએ પણ આ નિદર્શન મુખ્યમંત્રીની સાથે નિહાળ્યું હતું. અને અકિંચનોનો આધાર બનવાની, એમનો હાથ પકડીને એમને ઉત્કર્ષના માર્ગે લઈ જવાની આ પ્રોજેક્ટની ભાવના અને વ્યવસ્થાઓ સહુના હૃદયને જાણે કે સ્પર્શી ગઈ હતી. તેના પગલે “નોંધારાનો આધાર” બનવાનો આ પ્રોજેક્ટ “ મોડેલ નર્મદા ” તરીકે રાજ્યના શહેરો અને જિલ્લાઓમાં અમલ માટે અપનાવવામાં આવે તેવા ઉજળા સંકેતો મળી રહ્યાં છે.
નર્મદા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા અમલમાં મૂકાયેલ “ નોંધારાનો આધાર ” પ્રોજેક્ટ હેઠળ જિલ્લામાં થઇ રહેલી કામગીરી અંગે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ આ પ્રોજેકટ અંગે શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ પ્રોજેક્ટના અમલ અંગેની માર્ગદર્શિકા પુસ્તિકાનું પ્રેઝન્ટેશન રજુ કરાયું હતું, જેને બિરદાવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ સહિત “ ટીમ નર્મદા ” ને અભિનંદન આપ્યા હતાં.
આ પ્રસંગે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા “ નોંધારાનો આધાર ” પ્રોજેકટની SOP / માર્ગદર્શિકા પુસ્તિકાની દ્વિતીય આવૃત્તિનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિમોચન પણ કર્યુ હતું.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન, પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકાસિંઘ, શહેરી વિકાસ વિભાગના (હાઉસીંગ) સચિવ લોચન શહેરા, NULM ના નિયામક હર્ષ મોદી, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર પકાશ સોલંકી, ખાસ ફરજ પરના અધિકારી નૈમેષ દવે વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત પ્રેઝન્ટેશન બેઠકમાં નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, ICT અધિકારી સુમીત વાઘેલાએ તેમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં નર્મદા જિલ્લામાં “નોંધારાનો આધાર” પ્રોજેકટ હેઠળ હાલમાં થઇ રહેલી કામગીરીને બિરદાવાઇ હતી.
દીપક જગતાપ, રાજપીપલા