નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે લોકોએ નાના-મોટા તમામ કામો માટે જિલ્લા મથકે આવવું પડે અને કલેકટર કચેરીનો દરવાજો ખખડાવવો પડે એ પરિસ્થિતિનું નિવારણ કરવાની દિશામાં દાખલારૂપ પહેલ કરી છે.
તેમણે જિલ્લા કલેકટરની સત્તાઓને કાયદા અને નિયમોની મર્યાદામાં અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી અને તાલુકાકક્ષાએ મામલતદારો સુધી વિકેન્દ્રિત અને હસ્તાન્તરીત કરીને લોકોને મહેસુલી કામો માટે ખૂબ ઓછા કિસ્સાઓમાં જિલ્લા મથકે આવવાનું બને એવું વિકેન્દ્રિતતંત્ર ગોઠવીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ – લોકલક્ષી શાસનની દિશામાં નિર્ણાયક પહેલ કરી છે.તેમની આ પહેલથી કલેકટર કચેરી એ સત્તાનું કેન્દ્ર નહિ, પણ લોકોને ઘર આંગણે સુશાસનની સરળતા આપતી વ્યવસ્થા છે તેવી પ્રતીતિ લોકોને અવશ્ય થશે.
સમાજના છેવાડાના માનવીને પ્રજાકીય જનસુખાકારીના કામો માટે ઉંડાણના અંતરિયાળ વિસ્તારમાંથી છેક જિલ્લાકક્ષાએ જવું ન પડે અને પોતાના ઘરઆંગણે એટલે કે જે તે તાલુકાકક્ષાએ જ આવા કામો કોઈપણ જાતની વહિવટી આંટીઘૂંટી વિના સરળતાથી થઇ શકે તે માટે સત્તાના વિકેન્દ્રીકરણની સાથોસાથ રાજ્ય સરકારની ગતિશીલ વહિવટ અને પ્રો-એક્ટીવ ગવર્નન્સની નેમને સાર્થક કરવા નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડી. એ. શાહે અંદાજે ૫૦ થી પણ વધુ જેટલા ક્ષેત્રોમાં પોતાની વિવિધ સત્તાઓ અધિક કલેકટર, નાયબ કલેકટર, પ્રાંત અધિકારી તથા મામલતદારોને સુપ્રત કરીને લોકાભિમુખ વહિવટની દિશામાં અનુકરણીય અને પ્રેરક પહેલ કરીને ગતિશીલ વહિવટનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી તેમના હસ્તકની અંદાજે ૫૦ થી પણ વધુ વિવિધ સત્તા સોંપણીની વિગતો જોઈએ તો કલેક્ટર કચેરીની ટેનન્સી શાખાની નિયત બે પ્રકારની કામગીરી માટે સંબંધિત પ્રાંત અધિકારીને, આરટીએસ શાખાની નિયત એક કામગીરી માટે ચીટનીશ-ટુ-કલેકટરને, ભૂમિ શાખાની નિયત એક કામગીરી માટે નિવાસી અધિક કલેકટરને તથા ચાર પ્રકારની નિયત કામગીરી માટે સંબંધિત પ્રાંત અધિકારીને, એડીએએમ શાખાની નિયત એક કામગીરી માટે નિવાસી અધિક કલેકટરને, પુરવઠા શાખાની નિયત ૮ પ્રકારની કામગીરી માટે નિવાસી અધિક કલેકટરને, હિસાબી શાખાની વિવિધ ૭ પ્રકારની નિયત કરાયેલી કામગીરી માટે નિવાસી અધિક કલેકટર, સંબંધિત પ્રાંત અધિકારી, નાયબ કલેકટર, તાલુકા મામલતદારો અને ચીટનીશ-ટુ-કલેકટર, મહેકમ શાખાની નિયત ૧૩ પ્રકારની કામગીરી માટે નિવાસી અધિક કલેકટર, એમએજી શાખાની નિયત ૩ પ્રકારની કામગીરી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટને અને અન્ય નિયત બે પ્રકારની કામગીરી માટે સંબંધિત સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને, રાજ્ય ચૂંટણી પંચ શાખાની નિયત કામગીરી માટે સંબંધિત પ્રાંત અધિકારીને, ચીટનીશ-ટુ-કલેકટરને, સંબંધિત શાખાના સક્ષમ અધિકારીને, એમ.એસ.સી શાખાની જે તે નિયત કામગીરી માટે નિવાસી અધિક કલેકટરને, સંબંધિત પ્રાંત અધિકારીને અને નાયબ કલેકટરને તેમજ મધ્યાહન ભોજન યોજના શાખાની નિયત કામગીરી માટે નિવાસી અધિક કલેકટરને જેતે સત્તાઓ સુપ્રત કરવામાં આવી છે.
દીપક જગતાપ, રાજપીપલા