29 મી સપ્ટેમ્બરની વહેલી સવારે દોઢ લાખ ક્યુસેક પાણી કરજણ ડેમમાં છોડીને ડેમના તમામ 9 ગેટ ખોલી નાખતા કરજણ નદીમાં ઘોડા પૂર આવ્યા હતા. આ ઘોડા પુરમાં રાજપીપલા અને રામગઢને જોડતા હમણાં જ થોડા વખત પહેલા બનાવેલા નવા પુલને ભારે વરસાદમાં નુકશાન થયું છે. ખાસ કરીને પૂલનાં ત્રીજા પિલ્લરને થયું નુકશાન થયું છે. થોડા જ મહિના પહેલા આ પુલ વચ્ચેથી બેન્ડ વળી જતા પુલને ભારે નુકશાન થયું હતું. પૂલ રીપેર કરવાની નોબત આવી હતી. તે વખતે પણ પુલ બંધ કરવાની ફરજ પડી હતી. હવે ભારે પુરમાં ફરી એકવાર પુલના પિલ્લરને નુકશાન થયું છે. ત્યારે આ પુલના બાંધકામ અંગે અનેક પ્રશ્નો ફરી એકવાર ઉભા થયાં છે. હાલ આ પુલને ફરીથી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
બીજી તરફ આ કરજણ ઓવારાના ઘણા વર્ષથી પગથિયાં બેસી ગયા છે. તેને રીપેર કરવાની ઘણા વખતથી વાતો થઈ રહી છે.પણ હજી સુધી રાજવી વખતના ઐતિહાસિક કરજણ ઓવારો ખંડિત થયાં પછી દર વર્ષે વધુને વધુ ઓવારાને નુકશાન થઈ રહ્યું છે.આ વર્ષે ભારે વરસાદમાં ઓવારો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેનાથી ઓવારાને વધુ નુકશાન થઈ રહ્યું છે. આ જોખમી ઓવારા પર હજી પણ પગથિયાં નીચે ઉતરીને લોકો માછીમારી કરી રહ્યા છે. ગામની મહિલાઓ કપડાં ધોવા ઓવારે આવે છે તેની ઉપર કોઈ પ્રતિબંધ કેમ નહીં? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તો બીજી તરફ કરજણ પુલ નીચે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરની દીવાલો પણ પાણીના પ્રવાહમાં ધરાસાઈ થઈ ગઈ છે. આ કરજણ જવાનાં રસ્તાનું પણ ભારે ધોવાણ થયું છે. આમ કરજણના ભારે પ્રવાહે ભારે ખાના ખરાબી સર્જી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા