ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચાલુ વર્ષે ચિંતાજનક છે. નર્મદા જિલ્લામા ઓગસ્ટમા ખાસ વરસાદ પડયો નથી. ઓગસ્ટમા વરસાદ ખેંચાયાની ગંભીર સ્થિતિ રહી હતી. હવે સપ્ટેમ્બર માસ શરૂ થયો છે ત્યારે પણ વરસાદ જોઈએ તેવો ગુજરાતમાં અને મધ્ય પ્રદેશના ઉપરવાસમા ખાસ પડયો નથી. જેને કારણે નર્મદા ડેમમાં આ વર્ષે 50% થી પણ ઓછું પાણી છે જે ચિંતાનો વિષય બન્યો છે.
સરકારે નર્મદા ડેમમાથી સિંચાઈ માટે ખેતી માટે પાણી નહીં આપવાની જાહેરાત કરી છે. પાણીનો જે બચેલો જથ્થો છે તે પીવાના પાણી માટે સ્ટોરેજ કરવા પર સરકાર ભાર મૂકી રહી છે. ત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમા નર્મદા ડેમ જયારે છલોછલ ભરાતો હતો ત્યારે આજે ડેમો ખાલીખમ ભાસે છે ડેમોમાં પૂરતું પાણી નથી.
સપ્ટેમ્બર માસની શરૂઆત થઈ ગઈ છે તેમ છતાં હજી નર્મદા ડેમ સંતોષકારક ભરાયો નથી. ગત વર્ષે સપ્ટેમ્બરમા જળ સપાટી ૧૩૫.૬૮ મીટર હતી. જ્યારે આ વર્ષે માંડ હજુ 117.54 મીટર પર જ પહોંચી છે. હજી પણ નર્મદા ડેમના કેચમેન્ટમાં વરસાદ જોઈએ તેટલો પડતો નથી. ત્યારે ગતવર્ષ કરતા આ વર્ષે ડેમની જળ સપાટી 18.21 મીટર ઓછી છે.ત્યારે ડેમ સંપૂર્ણપણે ૧૩૮.૬૮ મીટર સુધીઆ વર્ષે ભરાશે કે કેમ ? તે એક પ્રશ્નાર્થ છે.
કારણ કે ચોમાસાની શરૂઆત થઈત્યારે સારો વરસાદ હતો પરંતુ ત્યારબાદ નર્મદા ડેમના ઉપરવાસમાં ચોમાસુ લંબાઈ ગયું છે. જેના કારણે
પાણીની આવક જોઈએ તેવી નથી.
આજે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 117.54 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૬૮ મીટરે હતી અને પાણીની આવક એક લાખ કયુસેક હતી અને લાઈવ સ્ટોરેજ પણ ૪૭૨૩ મિલિયન કયુબીક મીટર હતું. ત્યારે આજે નર્મદા ડેમની સપાટી માંડ મીટરે 117.54 પહોંચી છે. પાણીની આવક નામ માત્ર કહી શકાય તેટલી 4601 ક્યુસેક છે. પાણીનું લાઈવ સ્ટોરેજ ૮૬૩.૭૦ મિલિયન ક્યુબીક મીટર છે. મુખ્ય કેનાલમાં પણ હવે પીવાનું પાણી આપવા જરૂરિયાત મુજબ 4393 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની સીઝનમાં ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક લાખો ક્યુસેક હોય છે.અને ભરપુર પાણી આવતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું પૂર્ણતાના આરે છે તેમ છતાં હજી પણ નર્મદા કેચમેન્ટ વિસ્તારમાં જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી. હાલમાં નર્મદા ડેમ
તેની મહત્તમ જળ સપાટી ૧૩૮.૬૮મીટરથી 18.22 મીટર ડેમ હજુ પણ ઘણી દૂર છે. સપ્ટેમ્બર મહિનામાં નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા મધ્યપ્રદેશમાં ભરપુર વરસાદ પડ્યો હોય તેવું ભૂતકાળમાં બન્યું છે. તો આ વખતે એક આશા છે કે સપ્ટેમ્બર મહિનો હજુ વીત્યાને 6 જ દિવસ થયા છે. ત્યારે હજી પણ મુશળધાર વરસાદ પડે તો ડેમ આ વખતે પણ ભરાઈ શકે તેમ છે, જોકે હાલની ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના જળસંગ્રહની સ્થિતિ ચિંતાજનક જરૂર કહી શકાય.
આગામી દિવસોમાં નર્મદા બંધ ઉપર મોટુ જળ સંકટ ઉભું થાય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. ચોમાસાની સીઝનને માંડ એક મહિનો બાકી છે ત્યારે સારો વરસાદ નહીં પડે અને ડેમોમાં પાણીની આવક નહીં થાય તો ખેડૂતોમાટે ખેતીનું આ વર્ષ ચિંતાનું કારણ બની શકે છે. આ વર્ષે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે કે કેમ એ એક મોટો પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. કારણ કે આ વર્ષે ડેમ 18.21 મીટર ખાલી છે. ગત વર્ષે ઓગસ્ટના અંતમાં ડેમની સપાટી 138.68 મીટરને પાર કરતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા હતા. ત્યારે વીજ ઉત્પાદન કરતા રિવર બેડ પાવર હાઉસ પણ ધમધમતા હતા આજે 2021 માં પરિસ્થિતિ ઉલટી છે. આ વર્ષે નર્મદા જિલ્લામાં અત્યાર સુધીનો સીઝનનો કુલ વરસાદ પણ માત્ર 599 મિમિ નોંધાયો છે. જયારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં સીઝનનો કુલ વરસાદ 1074 મિમિ હતો જે ગત વર્ષ કરતા 475 મિમિ ઓછો વરસાદ બતાવે છે.
બીજી તરફ ખેદની અને આશ્ચર્યની વાત એ છે કે હાલ ગુજરાતની જનતાને અને ખેડૂતોને પીવાનાઅને સિંચાઈના પાણી માટે ફાંફા છે ત્યારે ગુજરાત સરકાર સ્ટેચ્યુ પર પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસીઓ ક્રુઝ બોટની મજા માણી શકે તે માટે હજારો ક્યુસેક પાણી નર્મદામાં છોડીને વિયર ડેમ ભરવામાં આવી રહ્યો છે એ કેટલુ યોગ્ય છે ? પ્રવાસીઓ ક્રૂઝ બોટની તો મજા માણી રહ્યા છે પણ ખેડૂતોને આપવામાં આવતું સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે પ્રવાસીઓ ખુશ કરવાની ઉતાવળમાં ખેડૂતોની આંખમાં આંસુ આવે તેવી નોબત આવે અને રાજ્યમાં ખેડૂતોમાટે જળ સંકટ ઉભું ના થાય તે જોવાની જવાબદારી પણ રાજ્ય સરકારની બની જાય છે બે વર્ષથી ડેમ છલોછલ ભરીને નર્મદાના નિરના વધામણાં કરાતા હતા. હવે 17 મીએ નર્મદા ઘાટ પર વડાપ્રધાન મહા આરતી કરશે તે માટે નર્મદા ડેમથી વિયરડેમ સુધીનું 12 કિમિનું સરોવર ભરવામાં આવી રહ્યું છે. હવે 11 દિવસમાં આ સરોવર છલોછલ ભરવાનું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે નર્મદા ડેમના ટીપે ટીપા પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો એ જ એક માત્ર ઉપાય છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા