રાજપીપળા : આરીફ જી કુરેશી
રાજપીપળામાં સંવિધાન બચાવો ચિંતન શિબિર યોજાશે જેમાં જાતીય અત્યાચારના બનાવો રોકવા માર્ગદર્શન અપાશે. જીજ્ઞેશ મેવાણી સંવિધાન બચાવો ચિંતન શિબિરને સંબોધશે.
હાલ ભારતમાં જાતીય અત્યાચારના બનાવો ઉત્તરો ઉત્તર વધી રહ્યા છે.ગુજરાતનો ઉના કાંડ,રોહિત વેમુલા,ડો.ધવલ પરમાર અને ડો.પાયલ તડવીએ કરેલી આત્મહત્યા,મોબલિંચિંગ,મહિલાઓ સાથે બળાત્કાર સહિતના અનેક બનાવો જાતીય ભેદભાવ જાતીય અત્યાચાર અને મહિલા અત્યાચારની સાક્ષી પૂરે છે.
ઉત્તરો ઉત્તર આવા બનાવો બનતા જાય છે તો બીજી બાજુ આવા બનાવો રોકવા તંત્રએ કાર્યવાહી કરી જ છે.પણ સાથે સાથે અમુક સામાજિક સંગઠનો પણ આવા પ્રશ્નોને વાચા અને લોકોને યોગ્ય માર્ગદર્શન આપવા જાહેર સંમેલનોનું આયોજન કરે છે.રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા દલિતો,આદિવાસીઓ,OBC અને ધાર્મિક અલ્પ સંખ્યક સમાજ માટે સંવિધાન બચાવો ચિંતન શિબિરનું આગામી 3/11/2019ના રોજ આયોજન કર્યું છે.એ સંદર્ભે શુક્રવારે ટાઉન હોલ ખાતે એક બેઠક યોજાઇ હતી જેમાં બહેચરભાઈ રાઠોડ,ભરતભાઈ વસાવા,ઇલુભાઈ બક્ષી સહિતના એ હાજર રહી આ શિબિર બાબતે ની માહિતી આપી હતી.
આ સંમેલનમાં ઉત્તરપ્રદેશના રિટાયર્ડ IPS અધિકારી બિજેન્દ્રસિંગ, રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના અધ્યક્ષ એડ.છગનભાઈ ગોડીગજબાર,બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ,વડગામના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી,ગુજરાતના રિટાયર્ડ IPS અધિકારી વી.એમ.પારધી,ઈકરા શૈક્ષણિક સંકુલ પ્રમુખ મૌલાના હબીબુરહેમાન મતાદાર,અનિલ ભગત,માર્ટિન મેકવાન, જમાતે ઇસ્લામ ગુજરાતના જનરલ સેક્રેટરી ઇકબાલભાઈ મીરઝા,બામસેફના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ મોહનભાઈ પરમાર સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.