હાલ નર્મદામા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેટક સાથે અન્ય બીજા કરોડોના પ્રોજેક્ટ આવી રહ્યા છે. તે માટે અનેક લોકો પોતાની વગનો ઉપયોગ કરી કામો અને કોન્ટ્રાક્ટર મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે. જેમાં તાજેતરમા નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા કોલોની (એકતા નગર) માં ભારતીય ઓઇલ કોર્પોરેશન લિ. પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ પંપનું સંચાલન કરવા માટે વન અધિકારીએ દાદાગીરી કરી ધાક ધમકી આપવાના પ્રકરણ સાંસદ મનસુખભાઇ વસાવાના ધ્યાને આવતા તેની સામે લેખિત વિરોધ નોંધાવ્યો છે. આ અંગે ભારત સરકાર નવી દિલ્હીના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીને ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ પત્ર લખ્યો છે.
પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા કોલોની (એકતા નગર) માં ભારતીય ઓઇલ કોર્પોરેશન લિ. પેટ્રોલ પંપ બનાવવા અને તેને સંચાલિત કરવામાં રસ ધરાવતા લોકો પાસેથી અરજી કરાવી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ માટે સ્થાનિક પેટ્રોલ પંપના જાણકાર લોકોએ અરજી કરી હતી. પરંતુ મારા જાણમા આવ્યું છે કે પેટ્રોલ પંપનું સંચાલન કરવા માટે જે વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે તે સ્થાનિક વન અધિકારીની નજીકનો માણસ છે. પેટ્રોલિયમ વિભાગના અધિકારીઓને આ વન અધિકારી દ્વારા કહેતા દાદાગીરી કરી ધમકાવવામા આવ્યા હતા અને જણાવેલ કે તમારે ના-વાંધા પ્રમાણપત્ર લેવા તો માટે અમારી પાસે આવવું પડશે અને જો આ પેટ્રોલ પંપ તેની નજીકની વ્યક્તિને નહી મળે તો ના વાંધા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં એવી ચીમકી અપાઈ છે.
મને એવું લાગે છે કે આ પસંદગી પ્રક્રિયામાં ક્યાંક ગરબડ થઈ છે. કારણ કે વન વિભાગ દ્વારા ઉપરોક્ત પેટ્રોલિયમ કંપનીને પ્રમાણપત્ર આપ્યા વગર પેટ્રોલ પંપ અરજી માટેની જાહેરાત કેવી રીતે આપવામાં આવે છે ? એ અંગે શંકા વ્યક્ત કરી છે. સાંસદ મનસુખભાઈએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં સ્થાનિક આદિવાસીઓને પેટ્રોલ પંપ વગેરેની ફાળવણી માટે નિર્ધારિત અનામત હેઠળ પ્રાથમિકતા આપીને તેમને ન્યાય આપવો જોઈએ.
આ સંદર્ભે મારી વિનંતી છે કે તમારા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ પેટ્રોલ પંપ વગેરે માટે દેશના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોના સામાજિક અને આર્થિક ઉત્થાનને ધ્યાનમાં રાખીને, નિર્ધારિત અનામતની ખાતરી કરવી આવશ્યક છે. જેના કારણે સ્થાનિક કક્ષાએ ઉપરોક્ત વર્ગના લોકોને રોજગારી આપવામાં ઉપેક્ષા થઈ રહી છે. તેથી આદિવાસીઓને અન્યાય ન થાય તે માટે ઘટતી કાર્યવાહી કરવા પત્ર દ્વારા હરદીપસિંહ પુરી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી, ભારત સરકાર, નવી દિલ્હીને લેખિત રજુઆત કરી છે. જોકે દાદાગીરી કરનાર આ વન અધિકારી કોણ છે ? એ ચર્ચાનો વિષય બન્યો છે.
જ્યોતિ જગતાપ, રાજપીપળા