નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ – ન્યુ ગોરા બ્રીજ – મોખડી ડેમ સાઈટ – CHPH/RBPH તેમજ ડાઇક નં.૧ એરોડ્રામથી ડાઇક નં.૪, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “NO DRONE ZONE” જાહેર કરાયેલ છે. આ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૯/૦૮/૨૦૨૧ના ૦૦.૦૦ કલાકથી તા.૧૭/૧૦/૨૦૨૧ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશે.
અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા