ગતરોજ તા.૧૭/૦૮/૨૦૨૧ ના રોજ દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાની અધ્યક્ષતામા તાલુકાના સરપંચઓની બેઠક મળી હતી. પ્રજાલક્ષી કામોની ચર્ચા કરવામા આવી હતી જેમાં સરપંચો દ્વારા મનરેગા યોજનામા દેડિયાપાડા તાલુકામા એજન્સી અને અધિકારીઓ દ્વારા થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો વિરોધ નોંધાવવા માટેની ચર્ચા થઈ હતી.
મનરેગા યોજના હેઠળ ઇ- ટેન્ડર પ્રક્રિયા કરી મનમાની શરતો મૂકી ગ્રામ પંચાયતો અને સ્થાનિક એજન્સીઓને વંચિત રાખવમાં આવે છે અને બહારની એજન્સી લાવી અહી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ૨૦૨૦-૨૧ ના નાણાંકિય વર્ષમા પણ “જલારામ એન્ટર પ્રાઇઝ” સોમનાથ નામની એજન્સીને માલ- મટીરીયલ સપ્લાય તરીકે નક્કી કરવામાં આવી હતી.
આ એજન્સી એ એક પણ ગ્રામ પંચાયતમા મટીરીયલ સપ્લાય કે કામ કરેલ ન હોવા છતાં રૂલીંગ પાર્ટીના મોટા કદના નેતાના ઇશારે અધિકારીઓ દ્વારા એજન્સી સાથે મળી એજન્સીના નામના કરોડો રૂપિયાના બિલો બનાવી સરકારી તિજોરી માથી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે.આ ભ્રષ્ટાચારની તપાસ થાય અને ઇ- ટેન્ડર પ્રક્રિયા રદ કરી ગ્રામ પંચાયતને સીધે સીધા કામ મળે તે માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આવનાર સમયમાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવા મોટા પાયે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામા આવી હતી.
તાહિર મેમણ, દેડીયાપાડા