નર્મદાના તિલકવાડા ખાતે ખાતર ડેપોમાથી ખેડૂતોને યુરિયા ખાતર સાથે સલ્ફેટ ફોસ્ફેટ ખાતર લેવા કરાતું દબાણ કરતા ખેડૂતો વિફર્યા હતા. આ અંગે તિલકવાડાના સરપંચ સહિત ગામના ખેડૂતોએ મામલતદાર અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
નર્મદા જિલ્લામા હાલ ખેતીની સિઝન જામી છે. નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે. અહીંના મોટાભાગના આદિવાસીઓ ખેતી ઉપર નભે છે. હાલ ખેડૂતો વાવેતરમાં જોતરાયા છે. ત્યારે ખાતર ડેપોમાં ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે લાંબી લાઈન લગાવી રહ્યા છે. ત્યારે હાલ તિલકવાડા ખાતે આવેલ ખાતર ડેપોમાંથી ખેડૂતોને યુરિયા ખાતરની જરૂર છે ત્યારે ખાતર ડેપોના સત્તાવાળાઓ ખેડૂતોને યુરિયા ખાતરની સાથે ફોસ્ફેટ અને સલ્ફેટ ખાતર લેવા માટે જબરજસ્તી દબાણ કરી રહ્યા છે. જેની સામે ખેડૂતો રોષે ભરાયા છે. જે બાબતે ખેડૂતોનું શોષણ કરાતું હોવાની બૂમ ઉઠી છે. ત્યારે આ બાબતે તિલકવાડા તાલુકા સરપંચ પરિષદના પ્રમુખ અરુણભાઈ તડવી દ્વારા ખેડૂતો સાથે તિલકવાડા મામલતદાર તેમજ ખેતી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
સરપંચ અરુણ તડવીએ જણાવ્યું હતું કે તિલકવાડા અને દેવલીયામા ખાતર કેન્દ્રો ખાતે ખેડૂતો જ્યારે યુરિયા ખાતર લેવા માટે જાય છે ત્યારે તેઓને સલ્ફેટ અને ફોસ્ફેટ ખાતર લેશો તો જ યુરિયા મળશે તેમ દબાણ કરવામાં આવે છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોરોના કાળથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ખેડૂતો પાસે પૂરતા પૈસા ન હોવાના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે જિલ્લા કલેકટર યોગ્ય તપાસ કરે અને ખેડૂતોને જેની જરૂરિયાત હોય તે જ ખાતર આપે અને બિનજરૂરી ખાતર માટે ખોટું દબાણ ન કરે તેની માંગ કરી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા