નર્મદા જિલ્લાનું નાંદોદ તાલુકામાં આવેલું નાનકડું ખોબા જેવડું ગામ “માંડણ” ગુજરાત અને દેશના નકશામાં પ્રખ્યાત બની ગયું છે. શા માટે જાણો છો? હા, કાશમીરને પણ ભુલાવી દે તેવા લખલૂંટ કુદરતી સૌંદર્ય સ્થળ માટે.
આજે અમે આપને નર્મદા જિલ્લાના લખલૂંટ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા એવા પ્રાકૃતિક સ્થળની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જેને ગુજરાતના મીની કાશમીરનું બિરુદ મળ્યું છે. એ સ્થળનું નામ છે “માંડણ “. રાજપીપલાથી 20 કિમિ દૂર આવેલ ચારે બાજુ પર્વતમાળાઓથી અને લીલાછમ વૃક્ષોસભર કુદરતી સૌંદર્યથી છલોછલઆ પ્રાકૃતિક સ્થળ છે. અહીં માંડણ ગામમાં ચારે બાજુ કુદરતે છુટ્ટા હાથે અફાટ કુદરતી સૌંદર્ય વેર્યું છે. અહીં કરજણ ડેમનું બેક વોટર આવેલું છે. એનું પાણી અહીં ચારે બાજુ પર્વતોની વચ્ચે ઘેરાયેલું છે. વચ્ચે નાના નાના ટાપુ જેવી ટેકરીઓ તથા ચારે બાજુ લીલાછમ ડુંગરો આવેલા છે.અહીં બોટિંગ પણ થાય છે.
હા, તો વાત કરીએ નર્મદા જિલ્લાની નર્મદા જિલ્લો જંગલઅને પહાડી વિસ્તારથી ઘેરાયેલો છે. ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારમાં કુદરતી રીતે “કુદરતી સૌંદર્ય” અને આહલાદક વાતાવરણ બની જાય છે. અહી આપો આપ કુદરતી ઝરણાં વહેવા માંડે છે અહીં ચારે બાજુ લીલીછમ હરિયાળી જોવા મળે છે.ચોમાસાma તો ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એવુ લાગે.
આજકાલ પ્રવાસીઓને આકર્ષવા હિલ સ્ટેશન, પ્રાકૃતિક સૌંદર્યધામ, પીકનીક પોઇન્ટ વગેરે સ્થળોનો વિકાસ કરવા સરકાર યા ખાનગી સંસ્થાઓ લાખો કરોડોનો ખર્ચ કરીને પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવા પ્રોજેક્ટ બનાવે છે. જોકે એની ટિકિટ પણ મોંઘી હોય છે. જોકે એમ છતાં પ્રવાસીઓ પરિવાર સાથે માહોલ બદલવા પીકનીક પોઇન્ટ કે પ્રવાસન સ્થળની મુલાકાત લેતા હોય છે. હાલ કોરોનાના કેસો ઘટ્યા છે. ત્યારે ઘરમાં રહીને કંટાળેલા લોકો હવે બહાર નીકળવા લાગ્યા છે. માનસિક રીતે કંટાળી ગયેલા લોકો એવી જગ્યા શોધે જ્યાં શાંતિ હોય, પ્રફુલલિતા હોય,ચારેબાજુ કુદરતી સૌંદર્ય વેરાયું હોય એવા કોઈ પ્રાકૃતિક સ્થળે જવાનું પસંદ કરે છે.
આવું જ એક કુદરતી સ્થળ છે માંડણ. માંડણ ગામનું આ સ્થળ જુવો તો કાશમીર જવાનું ભૂલી જશો. ખુદ આ સ્થળ મીની કાશ્મીરથી કમ નથી. આ એક માત્ર એવુ સ્થળ છે જેને કોઈએ ઉભું કર્યું નથી પણ ખુદ પ્રવાસીઓએ શોધી કાઢેલું આ કુદરતી પ્રવાસન સ્થળ છે. અહીં ખુદ પ્રવાસીઓ વાહનો લઈ પરિવાર સાથે આવે છે અને પ્રવાસની મજા માણે છે. ગામ લોકોએ બોટિંગની વ્યવસ્થા કરી રોજગારનું સાધન પણ ઉભું કર્યું છે. ગામ લોકો કોઈ પાણીમાં ડૂબી જાય તો તેને બચાવે છે. આવનારા પ્રવાસીને ઘરે લઈ જઈ ભોજન પણ કરાવે છે. અહીં ગામ લોકોએ કામ ચલાઉ શૌચાલય પણ બનાવ્યા છે. પ્રવાસીઓ અહીં બોટિંગની પણ મજા માણી રહ્યા છે.
માંડણ ગામનું એક માત્ર આ પ્રાકૃતિક સ્થળ પ્રવાસીઓના આગમનથી કુદરતી રીતે પીકનીક સ્પોટ બની ગયું છે. એક રૂપિયાનો ખર્ચ નહીં, કોઈ ટિકિટ નહીં કે કોઈ પાર્કિંગ ચાર્જ પણ નહીં. સાવ મફત માણવા મળતું આ કુદરતી સૌંદર્ય મળ્યું આ સ્થળ મોટા મોટા હિલ સ્ટેશનને ભુલાવે તેવું છે. શુદ્ધ ઓક્સિજન વાળી તાજી હવા આપતી જગ્યા અને પ્રદુષણ મુક્ત, શાંત અને મનને પ્રફુલ્લિત કરે એવુ આ સ્થળ ગુજરાતના લાખો પ્રવાસીઓની પસંદ બની ગઈ છે. ત્યારે એક વાર નર્મદાના માંડણ જવાનું હવે ના ભૂલતા નહીં.
જોકે સરકાર કે વહીતંત્ર અહીં આ પ્રવસાન સ્થળનો વિકાસ કરે તો ગુજરાતનું ઉત્તમ પ્રવાસન સ્થળ બની શકે તેમ છે. અહીં રહેવા જમવાની, ચા, નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે અને પ્રવાસીઓ માટે વધુ આકર્ષણ ઉભું કરાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી બીજું પ્રાકૃતિક પ્રવાસન સ્થળ બની શકે તેમ છે. હાલ તો માંડણ ગામ ગુજરાતના લાખો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે એ ચોક્કસ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા