વાપીની UPL કંપનીના CSR વિભાગના વડા ઋષિ પઠાણીયાએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે મુલાકાત લઇ જિલ્લા પ્રસાશન દ્વારા રાજપીપલાના સ્મશાન ગૃહમાં જરૂરી રીનોવેશન સાથે ગેસ આધારીત સગડીની સુવિધા ઉભી કરવા સાથેની અન્ય આનુષંગિક કામગીરી માટે UPL કંપનીના નાણાંકીય સહયોગ ઉપરાંત વૈષ્ણવ વણિક સમાજના સહયોગ સાથે હાથ ધરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત પ્રગતિ હેઠળની કામગીરી સંદર્ભે જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો. આ મુલાકાત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકાર પી.ડી.પલસાણા, વૈષ્ણવ વણિક સમાજના પ્રમુ તેજશભાઇ ગાંધી સહિત અન્ય હોદ્દેદારો પણ તેમાં જોડાયાં હતાં. બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા કલેક્ટર શાહે સ્મશાન ગૃહ પ્રોજેક્ટની કામગીરીથી પઠાણીયાને વાકેફ કરી જિલ્લામાં “ નોંધારાનો આધાર પ્રોજેક્ટ “ વિશે પણ તેમણે જાણકારી આપી હતી.
બેઠક બાદ પઠાણીયાએ રાજપીપલા સ્મશાન ગૃહના રિનોવેશન અંતર્ગત થયેલી પ્રગતિ હેઠળની કામગીરી નિહાળી હતી. પઠાણીયાની સાથે રહેલા રાજપીપલાના વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજશભાઇ ગાંધી આ મુલાકાત દરમિયાન સાથે રહ્યાં હતાં અને સ્થળ ઉપર થઇ રહેલી કામગીરીનો તેમણે ખ્યાલ આપ્યો હતો.
આ સ્થળ મુલાકાત દરમિયાન ઋષિ પઠાણીયાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, UPL કંપની અને શ્રોફ કંપની દુનિયાની પાંચ મોટી કંપનીઓ પૈકીની એક છે. મોટી કંપની હોવાથી સાથેસાથે કંપનીનું સામાજીક દાયિત્વ પણ ઘણું બધું મોટુ હોય છે. ૫૦ વર્ષ અગાઉથી કાર્યરત આ કંપની શ્રોફ પરિવાર, પ્રમોટર પરિવાર અને UPL કંપનીનું સમાજ પ્રત્યેનું મોટું યોગદાન રહ્યું છે. અમે જ્યાં પણ છીએ ત્યાં સતત કામ રહેતું હોય છે. અમને જ્યારે સારા પ્રોજેક્ટનો ખ્યાલ આવ્યો કે અહીં આ પ્રોજેક્ટની જરૂરીયાત છે, તેથી જિલ્લા પ્રસાશન-પ્રમોટર પરિવારે સહમત થઇને આ પ્રોજેક્ટ માટે નાનુ એવું યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. તેમજ આ પ્રોજેક્ટ લાંબા સમય માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે તે દિશાનો અમારો પ્રયાસ છે.
વધુમા પઠાણીયાએ જણાવ્યું હતું કે, CSR ઇનેશિયેટીવ હેઠળ નર્મદા જિલ્લામાં ૪ જેટલાં પ્રોજેક્ટ અમલમાં મુકાશે અને તે અંતર્ગત મકાઇ, તુવેરદાળ, કેળા અને વેજીટેબલ પ્રોજેક્ટ અમલમાં મુકી લગભગ ૧૦ હજાર જેટલાં ખેડુતો- બહેનોને આવરી લઇ તેમને સારી રીતે તાલીમબધ્ધ કરાશે જેના પરિણામે તેમની ઉત્પાદકતા વધવાની સાથે સીધા બજારમાંથી પણ તેનું વેચાણ કરીને તેમની આવકમાં વૃધ્ધિ કરી શકશે. આ પ્રોજેક્ટ સમગ્રતયાં ૫ વર્ષ સુધીનો રહેશે, જેમાં પ્રોજેક્ટના અમલનો સમયગાળો ૩ વર્ષ સુધીનો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજશભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, રાજપીપલામાં અલગથી ડેડ બોડી માટે એક પણ સ્મશાન ગૃહ નહોતું. પરંતુ વૈષ્ણવ વણિક સમાજે વિચાર્યું કે અલગથી સ્મશાન ગૃહ બને તો રાજપીપલાની જનતાને તેનો લાભ મળે. એટલે અંદાજે રૂા. ૯૫ લાખના ખર્ચેનો આ પ્રોજેક્ટ છે, જેમાં UPL તરફથી માતબર રકમનું નાણાંકીય યોગદાન મળ્યું છે. જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન થકી અને UPL કંપનીના સહયોગ થકી હાથ ધરાયેલ આ કામ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ત્યારબાદ સમાજસેવી સંસ્થાના સહયોગથી જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત નિરાધાર લાભાર્થી પરિવારને ઋષિ પઠાણીયાએ જીવન જરૂરી ચીજ-વસ્તુઓના કિટ્સના વિતરણ સાથે સાંજનું ભોજન પીરસ્યું હતું. આ વેળાએ CSR ના મેનેજર એન.એન.ડોડીયા, UPL કંપનીના પ્રોજેક્ટ મેનેજર અવિનાશભાઇ ભંડેરી, તેજશભાઇ ગાંધી સહિત અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યોતિ જગતાપ, રાજપીપલા