નર્મદાના તિલકવાડા તાલુકામા આવેલ ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેકના નાળામા ચોમાસામાં ભરાઈ જતા વરસાદી પાણી ગ્રામજનો માટે મોટી સમસ્યા બની ગઈ છે. એક સામાન્ય વરસાદના પાણીથી આ નાળુ પાણીથી ભરાઈ જાય છે. અહીં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી વધારે વરસાદ આવે તો નાળામા પાણી ભરાઈ જવાથી તળાવ જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. તંત્રને અવારનવાર રજૂઆત કરતા પાણી ખેંચવાના પંપ મૂકી પાણી ખેંચવાનો પ્રયત્ન કરે છે એટલે આ ઉકેલ કોઈ કાયમી નથી. અહીં વધારે વરસાદ આવે તો પાણી ખેંચવાના પંપ પણ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયાં છે.
હાલ તિલકવાડાના હાફીસપુરા ગામે ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેકના નાળામા વરસાદના પાણી ભરાઈ જતાં બે ગામનો સંપર્ક તૂટી જવા પામ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તિલકવાડા તાલુકાના હીજડામહુડી અને નવીનગરી હાફિઝ પુરા પંચાયત ઓફિસ સુધીના બે ગામોનો સંપર્ક તૂટી ગયો છે. જેને કારણે ગ્રામજનોને ચાલીને જવુ પડે છે. વાહનો જઈ શકતા નથી. જો ગટરલાઈન સાફ કરે તો પાણીનો નિકાલ થઈ શકે તેમ ગ્રામજનો જણાવે છે. જો પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા