(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
:ગુજરાતના પાટણમાં તાજેતર એક દલિત અસરગ્રસ્ત સ્વ.ભાનુભાઈ વણકરે જમીનની માંગણી માટે આત્મવિલોપન કરી પોતાનો જીવ ગુમાવ્યો હતો.ત્યારે રાજ્ય સરકારની કામગીરી દલિત-આદિવાસી વિરોધી હોવા ઉપરાંત કાયદો અને વ્યવસ્થા પર કોઈની પકડ ન હોવાના આક્ષેપ સાથે સ્વ.ભાનુભાઈ વણકરને સરકારી લાભો-હક્ક મળે એવી માંગ સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ નર્મદા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ રુચિકા વસાવા,પાલિકા સદસ્ય કમલ ચૌહાણ,પાલિકા વિપક્ષ નેતા મુન્તઝિર ખાન શેખ,પ્રકાશ વસાવા સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા.
આ બાબતે કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દલિત આદિવાસીની સુરક્ષામાં અને પારદર્શક વહીવટમાં નિષ્ફળ ગઈ છે.પ્રજા પરેશાન છે અને સરકાર મોજમાં આજે એક દલિત પોતાના હક્કો માટે કચેરીઓના ધક્કા ખાઈ ખાઈ અને અંતે આત્મવિલોપન કર્યું.તોય જાડી ચામડીના આધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.ખરેખર આવા અધિકારીઓ સામે પગલાં ભરી સરકાર મૃતક ભાનુભાઇ વણકરને હક્ક આપે એવી માંગણી કરી છે.