(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
ગુજરાત હાલ જળસંકટનો સામનો કરી રહ્યું છે.અને નર્મદા ડેમનાં પાણી પણ આ સંકટમાંથી ઉગરી શકે તેમ નથી ત્યારે સરકારની ચોતરફથી ભારે ટીકા થઈ રહી છે.તેની વચ્ચે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંગે મંગળવારે નર્મદા ડેમની મુલાકાત લીધી હતી.તેમની સાથે જિલ્લા કલેકટર આર.એસ.નિનામાં સહિત સંબંધિત અધિકારીઓ જોડાયા હતા.જે.એન.સિંગે નર્મદાના પાણી અંગે અધિકારીઓ જોડે માહિતી લઈને જરૂરી સમીક્ષા હાથ ધરી હતી.તેમણે જણાવ્યું હતું કે,નર્મદા ડેમના ડેડ સ્ટોકનું પાણી વાપરવાની મંજૂરી બાદ ગુજરાત પર કોઈ જળસંકટ નહીં રહે અને તે અંગે કોઈએ ચિંતા કરવા જેવી નથી.હાલ ડેમનાં પાણી 110.64મીટરે પહોંચતા હવે ઇરીગેશન બાયપાસ ટનલ મારફતે કેનાલમાં પાણી પહોંચાડાશે.જેથી પીવાના પાણીની કોઈ સમસ્યા નહી રહે.ઉલ્લેખનીય છે કે,આ ઇરીગેશન બાયપાસ ટનલનો ઉપયોગ ઇતીહાસમાં પ્રથમવાર થઇ રહ્યો છે.આ ટનલનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કે પાણીની સપાટી ૧૧૦.૬૪ મીટરથી નીચે જાય તો કેનાલ હેડ પાવરહાઉસ બંધ કરી દેવામાં આવે છે.જેથી કેનાલમાં પાણી છોડવા માટે આ બાયપાસ ટનલનો ઉપયોગ કરવામાં આવશે.અને હવે ૧૧૦.૬૪ મીટર થી ૮૮ મીટર સુધીનો ડેડ સ્ટોક વાપરવામાં આવશે.જો આ ડેડ સ્ટોક વાપરી નાખવામાં આવે તો આગામી ચોમાસુ જો સારૂ ન જાય તો જળસંકટ ઘેરૂ બની શકે છે.તેની ગંભીરતા જોઇને જ મુખ્યસચિવે આજે ઇરીગેશન બાયપાસ ટનલનું નીરીક્ષણ કર્યુ છે.
તો ડેમની મુલાકાત બાદ મુખ્યસચિવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને તેની કામગીરીનું જાત નીરીક્ષણ કર્યું હતું.અને આ તમામ કામ 31 ઓક્ટોમ્બર પહેલા પૂર્ણ થશેનો આશાવાદ વ્યકત કર્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીનું હાલ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.આગામી 31ઓક્ટોબરમાં પ્રતિમાનું લોકાર્પણ થઈ જશે એવી ચર્ચાઓ થઈ રહી છે.પ્રતિમાનું ખાતમુહૂર્ત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31ઓક્ટોબર 2013ના રોજ કર્યુ હતુ.ત્યારે બાદ 31 ડિસેમ્બર 2014 ના રોજ આ પ્રતિમાનું કામ શરૂ કરવામાં આવ્યું. 2989 કરોડના ખર્ચે પ્રોજેકટ આકાર લઇ રહ્યો છે.તો મુખ્ય સચિવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે સ્ટેચ્યુ ઓફ યુનીટી સાથે ટ્રાયબલ મ્યુઝીયમ પણ આકાર લઇ રહેલ છે.તો સાથે ઉડન ખટોલાનુ આકર્ષણ પણ પ્રવાસીઓ માટે ઉપલ્બ્ધ કરાવવામાં આવશે.નેશનલ લેવલના આકાર પામી રહેલા ટ્રાયબલ મ્યુઝીયમ માટે કેન્દ્રના આર્કાઇવ્ઝ વિભાગ સાથે સમજૂતી-સહયોગ થયો છે.
નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને નર્મદા કાંઠે આવેલ પવિત્ર શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીએ પૂજન અને અભિષેક કરી જે.એન.સિંગે ગુજરાતની પ્રજાની સુખાકારી માટે વિશેષ પ્રાર્થનાં કરી હતી.તો આ સમગ્ર કાર્યક્રમ અંગે ભારે ગુપ્તતા જાળવવામાં આવી હતી.જો કે આજે મુખ્ય સચિવ જે.એન.સિંગે પાણી સંકટ નહી રહે એમ તો જણાવ્યું ત્યારે એમણે વ્યક્ત કરેલ વિશ્વાસ અને મહાદેવને કરેલ પ્રાર્થના રૂપાણી સરકારને ફળે છે કે નહી તે તો આગામી ઉનાળામાં જ ખ્યાલ આવશે.