SSC બોર્ડની પરીક્ષા માટે ખામર અને તરોપાના વિદ્યાર્થીઓ એક જ ખાનગી વાહનમાં પ્રતાપનગર પરીક્ષા આપવા જતા હતા,હવે વાલીઓએ ફરજીયાત કામ ધંધો બગાડી વિદ્યાર્થીને રાજપીપળા મુકવા આવવાનો વારો.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):SSC બોર્ડની પરીક્ષા માટે નાંદોદ તાલુકાના તરોપા અને ખામર ગામના વિદ્યાર્થીઓ છેલ્લા 12 વર્ષથી નજીકના પ્રતાપનગર કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા જતા હતા.ત્યારે અચાનક ચાલુ વર્ષે સરકારે પ્રતાપનગર કેન્દ્રની જગ્યાએ રાજપીપળા કેન્દ્ર કરી દેતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ દુવિધામાં મુકાયા છે.જેથી તરોપાની શ્રી આર.એન.દીક્ષિત હાઈસ્કૂલ અને ખામરની એચ.એમ.રજવાડી હાઈસ્કૂલના વાલીમંડળે પ્રતાપનગર કેન્દ્ર ચાલુ રાખવા ગુજ.મા અને ઉ.માં.શિ.બોર્ડના પરીક્ષા સચિવને સંબોધતુ આવેદનપત્ર નર્મદા કલેકટર અને ડીઈઓને સુપ્રત કર્યું છે જેમાં એમણે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
વાલીમંડળે આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષથી ફળવાયેલું પ્રતાપનગર કેન્દ્ર બંધ કરી રાજપીપળા કેન્દ્ર ફળવાતા વિદ્યાર્થીઓ દુવિધામાં મુકાયા છે.આ સંસ્થામાં 100% આદીવાસી બાળકો અભ્યાસ કરે છે.જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે.ઉપરાંત પરીક્ષાનું એક જ કેન્દ્ર હોવાથી ગામના બધાજ બાળકો મફતમાં કોઈ એક ખાનગી વાહનમાં પરીક્ષા આપવા જતા હતા.હવે જો રાજપીપળા કેન્દ્ર આપવામાં આવે તો જુદી જુદી શાળાઓમાં નંબર આવે જેથી વાલીઓએ ના છૂટકે ધંધો-રોજગાર બગાડી વિદ્યાર્થીઓ સાથે રોજે રોજ આવન જાવન કરવું પડે.જે આર્થિક રીતે પોષાય નહિ.સાથે સાથે વિદ્યાર્થીઓ પણ માનસિક રીતે કેન્દ્ર બદલવાના નિર્ણય સામે તૈયાર નથી.જો અમારી યોગ્ય રજૂઆતને ધ્યાને નહિ લેવાય તો અમારે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.