(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
પાટણ જિલ્લાના ભાટસણ પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા,પાવાગઢ દર્શન પતાવી કેવડિયા નર્મદા ડેમ જોવા આવી રહ્યા હતા ત્યારે બનેલી ઘટના.
નર્મદા જિલ્લાના દેવલિયાથી છોટાઉદેપુરના બોડેલી રોડ ઉપર પ્રવાસે નીકળેલા વિદ્યાર્થીઓને ઝેરી મધમાખીના એજ ઝુંડે હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાસમાં આવી છે.પાટણ જિલ્લાના ભાટસણ પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા દરમિયાન પાવાગઢ દર્શન પતાવી કેવડિયા નર્મદા ડેમ જોવા આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.જોકે મધમાખીના ડંખથી ઘાયલ 10 થી વધુ વિદ્યાર્થીઓને 108 દ્વારા બોડેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
પાટણ જિલ્લાના ભાટસણ પગાર કેન્દ્ર શાળાના 60 જેટલા વિદ્યાર્થીઓ GJ 24 X 4545 વોલ્વો લકઝરીમાં શૈક્ષણિક પ્રવાસે નીકળ્યા હતા.ગુરુવારે તેઓ પાવાગઢના દર્શન કરી નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત નર્મદા ડેમ અને પોઇચા સ્વામિનારાયણ મંદિરે આવી રહ્યા હતા.દરમિયાન દેવલિયા અને બોડેલી રોડ પર વિદ્યાર્થીઓએ વોમિટિંગની ફરિયાદ કરી હતી.ત્યારે ડ્રાયવરે ગાડી ઉભી રાખી હતી.જેવા વિદ્યાર્થીઓ બસની નીચે ઉતર્યા એવામાં ઝાડ પરથી ઝેરી મધમાખીના ઝુંડે એમની પર હુમલો કર્યો હતો.વિદ્યાર્થીઓએ બુમરાણ મચાવતા અન્ય વાહન ચાલકોએ નીચે ઉતરી લીલા ઝાડ-પાનની ધૂણી કરતા મધમાખીઓથી વિદ્યાર્થીઓને છુટકારો મળ્યો હતો.જોકે આ ઘટનાક્રમ દરમિયાન કોઈકે 108 ને કોલ કરતા 15 જેટલા વિદ્યાર્થીઓને બોડેલીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યારે અન્ય વિદ્યાર્થીઓને નજીકના એક ઘરમાં સુરક્ષિત લઈ જવાયા હતા.