(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
વર્ષ 1950માં રાજપીપડામાં સબ જેલ નિર્માણ પામી હતી ત્યાર બાદ 2018માં જીતનગરમાં વિશાળ એકરમાં ફેલાયેલી અદ્યતન સુવિધા વાળી જિલ્લા જેલ બની.
નર્મદા જિલ્લાની રજવાડી નગરી એટલે રાજપીપળા.રાજપીપળામાં રજવાડા વખતની ઘણી ખરી ઈમારતો હાલ પણ અડીખમ ઉભી છે.ત્યારે આવી જ રાજા રજવાડા વખતની 1950માં બનેલી રાજપીપળા સબજેલ શહેર અને જિલ્લાવાસીઓ માટે એક સંભારણું બની રહેશે.કારણ એક જ કે રાજપીપળા નજીકના જીતનગર સ્થિત પોલિસ હેડક્વાર્ટરની પાછળ વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે જિલ્લા જેલ નિર્માણ પામી છે.જેમાં આગામી 9મી ફેબ્રુઆરીએ રાજપીપડાની જૂની સબજેલના કેદીઓને ટ્રાન્સફર પણ કરી દેવાશે.
રાજપીપળા શહેરની મધ્યમાં વર્ષ 1950માં 3 બેરેક અને 94 કેદીઓની ક્ષમતા ધરાવતી સબજેલ બનાવવામાં આવી હતી.ત્યારે વર્ષ 2018માં રાજપીપળા નજીક જીતનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટરની બિલકુલ પાછળ વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે અપગ્રેડ કરી જિલ્લા જેલ બનાવવામાં આવી છે જેનું નિર્માણ કાર્ય પણ હાલ પૂર્ણ થયું છે. નવી બનેલી જેલ 347 કેદીઓની ક્ષમતા ધરાવે છે અને એમાં 16 બેરેકની સાથે 2 મહિલા બેરેકનો પણ સમાવેશ થાય છે.હાઈમાસ્ટ લાઇનો,યોગા,લાયબ્રેરી,જિમ,અદ્યત ન ગાર્ડન સહિતની સુવિધાથી સજ્જ નવી જેલ માટે સરકાર દ્વારા 3 નવા જેલરોની પણ નિમણૂક કરાઈ છે જ્યારે માત્ર એક તબીબની જ્ગ્યા ખાલી છે.2/2/2018 ના રોજ નવી જેલમાં ભૂમિશુધ્ધિકરણ અને પંચકુંડીયજ્ઞ કર્યા બાદ 9/2/2018ના રોજ રાજપીપળા સબજેલના તમામ કેદીઓને નવી જેલમાં ટ્રાન્સફર કરાશે.