(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)
અમે ડેમ બનાવવા જમીનનો ભોગ આપ્યો,આ નોટિસ દિવાળી પેહલા આપી હોત તો અમે નવો પાક ન કરતા હવે અમારા પાકની નુક્સાની થશે તો એનો જવાબદાર કોણ?-ખેડૂતોનો તંત્રને પ્રશ્ન.
તાજેતરમાં જ નર્મદા નિગમે નર્મદા ડેમ આધારિત સિંચાઇ કરતા ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર ન કરવા સૂચન આપ્યું છે.એનું કારણ એ આપ્યું છે કે ચાલુ વર્ષે એમપીમાં વરસાદ ઓછો થયો હોવાથી નર્મદા સ્ત્રાવ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષની સરખામણીએ 45% ઓછો પાણીનો સંગ્રહ થયો છે.તેથી ખેડૂતોને 15મી માર્ચ પછી સિંચાઈનું પાણી મળશે નહીં.તેથી ખેડૂતોમાં નારાજગી તો ફેલાઈ જ છે. આ જ કારણ આગળ ધરી દરેક રાજ્યને ફાળવવામાં આવેલ પાણીના જથ્થા પર કાપ મુક્યો હોવાથી નર્મદા નિગમે નર્મદા મુખ્ય નહેર પર મુકેલી બિનઅધિકૃત પંપ-બકનળીઓ હટાવવા ગરૂડેશ્વર તાલુકા સહિત અન્ય ખેડૂતોને લેખિતમાં નોટિસ આપી છે.જો આ બકનળીઓ-પંપ નહિ હટાવાય તો એને નર્મદા મુખ્ય નહેર પરથી દૂર કરી જપ્ત કરવાની ચીમકી પણ આપી છે.
ત્યારે નર્મદા નિગમની આ નોટીસનો ગરૂડેશ્વર તાલુકાના આદિવાસી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.અને શનિવારે ગ્રામજનો નર્મદા મેઈન કેનાલ પાસેના ઊંડવા ગામના પુલ પાસે એકત્ર થઈ નર્મદા નિગામી હાઈ હાઈ બોલાવી નોટીસની જાહેરમાં હોળી કરી ઉગ્ર વિરોધ કર્યો હતો.દરમિયાન આદિવાસી ખેડૂતોએ ત્યાંથી પસાર થઈ રહેલા વાહનોને રોકી ચક્કાજામ પણ કર્યો હતો.સાથે સાથે જો આ મામલે યોગ્ય નિરાકરણ નહિ આવે તો જ્યાંથી આખા ગુજરાતભરમાં પાણીનો જથ્થો પૂરો કરાય છે એ ગ્રુડેશ્વરના ભુમલિયા ઝીરો પોઇન્ટ પરનો નર્મદા ડેમનો મેઈન ગેટ બંધ કરી દેવાની ચીમિકી પણ ઉચ્ચારી હતી.
આ મામલે સામાજિક આગેવાન અને ખેડૂત ક્યુંમ મેમણે જણાવ્યું હતું કે આ બકનળીઓ હટાવવાનું કારણ શું એ નિગમ અમને જણાવે.આ આખો વિસ્તાર ખેતી પર નિર્ભર છે બીજું કોઈ જ કમાવવાનું સાધન નથી.જો નિગમ દ્વારા બકનળીઓ હટાવાશે તો એમની પર પણ કાયદેસરની કાર્યવાહી કરીશું.
આ મામલે ગરૂડેશ્વરના ઊંડવા ગ્રામ પંચાયતના સરપંચ કિશોર તડવીએ જણાવ્યું હતું કે નર્મદા નિગમ દ્વારા આ નોટિસ જો દિવાળી પેહલા અપાઈ હોત તો અમે નવો પાક ના કરત અત્યારે નોટિસ આપી નિગમે અમારી સાથે અન્યાય કર્યો છે.હવે અમારા પાકને જો નુકશાન થશે તો એનો જવાબદાર કોણ.આ ડેમ બનાવવા અમેં જમીનનો ભોગ આપ્યો છે અને અમને જ પાણીથી વંચિત રખાઈ રહ્યા છે.જો અમને પાણી માટે રોકાશે તો અમે આસપાસના ખેડૂતો ભેગા મળી જ્યાંથી ગુજરાતભરમાં પાણીનો જથ્થો અપાય છે એ ભુમલિયા ઝીરો પોઈન્ટ પરનો નર્મદા ડેમનો મેઈન ગેટ બંધ કરી દઈશું.અને પછી જે સ્થિતિ થશે એનું જવાબદાર નર્મદા નિગમ હશે.
Advertisement