(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામે ભૂતકાળમાં ધોરણ 10ના પરિણામમાં કેટલાયે ટોપ ટેન વિદ્યાર્થીઓની ભેટ જિલ્લાને આપી છે.ત્યારે મંગળવારે આજ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ગેરહાજર હોવાથી આખો દિવસ ક્લાસરૂમો ખુલ્યા જ નહીં અને વિદ્યાર્થીઓએ બહાર ઓટલા પર બેસીને ભણવાનો વારો આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આ ઘટનાને પગલે ઉતાવળી ગામના ગ્રામજનોએ રોષે ભરાઈને હોબાળો મચાવ્યો હતો.ત્યારે ઉતાવળી પ્રાથમિક શાળાના શિક્ષિકા માનસી શાહે જણાવ્યું હતું કે અમારા મુખ્ય શિક્ષક સવારથી જ ગેરહાજર હતા.તમામ કલાસરૂમોની ચાવી કાર્યાલયમાં હોય છે.અને કાર્યાલયની ચાવી મુખ્ય શિક્ષક પાસે હોય છે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડે નહિ એટલે અમે બહાર બેસીને વિદ્યાર્થીઓને ભણાવ્યા છે.SMC ના સભ્યો દ્વારા આ મામલે તાલુકા કક્ષાએ રજુઆત કરાઈ હતી.ત્યારે એમને ક્લાસરૂમના તાળા તોડવાનું જણાવાયું હતું પણ SMC ના સભ્યે અમને તાળા ન તોડવા સૂચના અપાતા અમે બહાર ઓટલા પર બેસી ભણાવવાનું ચાલુ રાખ્યો હતો.
તો SMC(સ્કૂલ મેનેજમેન્ટ કમિટી)સભ્યના મુકેશ બારીયાએ જણાવ્યું હતું કે મુખ્ય શિક્ષક અન્ય શિક્ષકો પર ચોરી સહિતના અન્ય ગંભીર આક્ષેપો ના લગાવે તેથી અમે તાળા ન તોડવા શિક્ષકોને જણાવ્યું હતું.જ્યારે અન્ય એક ગામના અગ્રણી મિતેશ બારીયાએ જણાવ્યું હતું કે આ મુખ્ય શિક્ષક ઝવેર બારીયા નશાની હાલતમાં અને અનિયમિત આવે છે.આના ત્રાસથી ભૂતકાળમાં પણ સારા શિક્ષકો બદલી કરવી ચુક્યા છે.જોકે મોડે મોડે શાળા છૂટવાના સમયે ગ્રુપઆચાર્ય પ્રવીણ બારીયાએ ત્યાં આવી મુખ્ય કાર્યાલયનું તાળું ખોલી ક્લાસરૂમની ચાવીઓ શિક્ષકોને આપી હતી.
નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીઆએ જણાવ્યું હતું કે ઝવેર બારીયા નશાની હાલતમાં અનિયમિત શાળાએ આવતા હોવાની ટેલિફોનિક ફરિયાદ મળી છે.તપાસના અંતે અહેવાલ બાદ તેની પર શિક્ષાત્મક પગલાં ભરાશે.