(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નર્મદા જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા નાંદોદ તાલુકાના પ્રતાપનગર-ભીલવાડા ગામે ચાલતા તળાવની પ્રોટેકશન દીવાલ અને ચેકડેમ રીપેરીંગ કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની મુખ્યમંત્રી રૂપાણીને લેખિતમાં રજુઆત રાજપીપળાના નિવૃત ફોરેસ્ટ અધિકારી યોગીરાજસિંહ ગોહિલે કરી હોવાનું જાણવા મળે છે.
એમણે પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે પ્રતાપનગર-ભીલવાડા ગામે ચેકડેમમાં 6 થી 7 ફૂટ ઊંડો પાયો ખોદવાની જગ્યાએ માત્ર 3 ફૂટ ઊંડો પાયો ખોદયો છે.આ કામ માટે બહાર પડાયેલ નિવિદાથી વિપરીત પાયાની માત્ર 2 ફૂટ પહોળાઈ રખાઈ છે.આ ચેકડેમમાં પાણીની અંદર ઓછા માપના ખોદેલા ગડરમાં જુના ચેકડેમની દિવલથી 2 – 2.5 ફૂટ જગ્યા છોડી લોખંડની પ્લેટો મારી પ્રથમ તબક્કામાં ત્રણ ફૂટ જેટલો ધૂળ,કાદવ,અને દળ મિશ્રિત કાળી રેતીમાં પીપીસી સિમેન્ટ ભેળવી હલકી ગુણવત્તાનો કોન્ક્રીટ ભરાયેલો છે.પાણીની અંદર પ્લેટો મારી માલ ભરાયેલો છે.આ કામગીરી સારી બતાવવા ખાતર અમુક જગ્યાએ સારી ગુણવત્તાનું મટેરિયલ વપરાયુ છે.કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા સ્થળ પર સિમેન્ટ રજીસ્ટર રાખતું નથી અને જો હોય તો એના પર ક્યારેય સંબંધિત અધિકારી સહી કરતા નથી.
જ્યારે પ્રતાપનગર-ભીલવાડા ગામે બની રહેલા તળાવની પ્રોટેકશન દીવાલ બાબતે જણાવ્યું છે કે આ જગ્યા પર કાળી માટી છે.સામાન્ય રીતે જ્યાં કાળી માટી હોય ત્યાં 6 થી 7 ફૂટ ઊંડો પાયો ખોડવાનો હોય છે જ્યારે અહીંયા માત્ર 3 ફૂટનો નિયમ વિરુદ્ધ પાયો ખોદયો છે.આ દિવાલના વચ્ચેના ભાગે હલકી ગુણવત્તા અને ફક્ત બતાવવા ખાતર જ બહારના ભાગે સારી ગુણવત્તાનું મટેરિયલ ઉપયોગમાં લેવાયેલું છે.આટલી મોટી કામગીરીમાં ફક્ત 80 બેગ સિમેન્ટ ઉપયોગ થયો છે.ચાલુ કામગીરીમાં પાયાની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી જે રજુઆત કરતા તાબડતોબ રીપેર કરાઈ હતી.આ કામોમાં અધિકારીઓએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે.
આ બન્ને કામો મામલે મેં અગાઉ RTI હેઠળ માહિતી માંગી હતી જે ખોટી અને અપુતરી માહિતી અપાઈ છે.નર્મદા જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા આ પ્રકારના બોગસ કામો કરાવી 2% કા.પા.ઈજનેર,2% ના.કા.પા.ઈજનેર, 2% અધિક મદદનીશ ઈજનેર અને 2% વર્ક અસિસ્ટન્ટને મળે છે.સમગ્ર જિલ્લામાં નર્મદા જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા 80 કરોડના કામો થયા છે એમા પણ ખાયકી કરાઈ હશે.નર્મદા જિલ્લા સિંચાઇ વિભાગના કા.પા.ઈજનેર અને વર્ક આસિસ્ટન્ટ દ્વારા આ બન્ને કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે જેની ત્વરિત તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા રજુઆત કરી છે.