વિશાલ મિસ્ત્રી રાજપીપળા
રાજપીપળાના વતની અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પતાને ફોન પર ધમકી મળી હોવાની નર્મદા જિલ્લા પોલિસ વડાને લેખિતમાં રજુઆત કરતા રાજકારણ ગરમાયુ છે.ત્યારે આ મામલે મનસુખ વસાવાના સમર્થકો બુધવારે નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરવાના હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા પોલીસ વડાને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે મેં લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન ઝીરો અવર્ષમાં સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાંથી રબારી,ભરવાડ અને સિદ્દી મુસ્લિમોને આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો અપાયાની રજુઆત કરી હતી.આ પ્રમાણપત્રોના આધારે તેઓને આદિવાસીઓના અનામતની જગ્યાએ સરકારી નોકરી મળે છે.આ બાબતની ઉપરોક્ત સમાજના લોકોને જાણ થતાં તેઓ દ્વારા મારા ઘરના લેન્ડલાઈન નંબર 224300 પર સતત બે દિવસથી ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે.આવા સતત ફોનથી મારા ઘરના સભ્યો હેરાન થઈ ગયા છે.હું ભરૂચ સાંસદ હોવાથી જિલ્લા તથા જિલ્લા બહાર સતત પ્રવાસ કરવો પડે છે.તો આ ધમકીઓ આપનાર સામે યોગ્ય કાર્યવાહી કરી પોતાની સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવા એમણે માંગ કરી છે.
આ બાબતે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મને અત્યાર સુધી મને 40 થી 50 જેટલા ધમકી ભર્યા ફોન આવી ગયા છે.તમે અમારા રબારી-ભરવાડો માટે લોકસભામાં કેમ બોલો છો.આનું પરિણામ તમારે ભોગવવું પડશે.તમે ઘરની બહાર ક્યારે નીકળો છો તમારા મૃત્યુંના દિવસો હવે નજીક જ છે સહિત અનેક અસભ્ય ભાષામાં મને ધમકીઓ મળે છે.અને આ ધમકી મને કાઠિયાવાડી ભાષામાં મળે છે.