વિશાલ મિસ્ત્રી રાજપીપળા:
સરદાર સરોવર ડેમના ગેટ બંધ કરાયા બાદ ડેમના લોકાર્પણને પીએમ મોદીએ ઐતિહાસિક ઘડી ગણાવી,તો બીજી તરફ એમના જ સાંસદે ડેમમાંથી સમયાંતરે પાણી છોડવા કેન્દ્રીય મંત્રીને રજુઆત કરી.
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ડેમના ગેટ બંધ કરાયા હતા.અને બાદ પીએમ મોદીએ કેવડિયા ખાતે આવી ડેમનું લોકાર્પણ કર્યું હતું.આ ઘડીને મોદીએ ઐતિહાસિક ગણાવી હતી.તો બીજી બાજુ એમના જ સાંસદ મનસુખ વસાવાએ ડેમના ગેટ બંધ કરાયા બાદ નર્મદા નદી સુકાઈ રહી હોવાથી ખેતીને નુકસાન થાય છે તેથી સમયાંતરે ડેમમાંથી પાણી છોડવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને એક પત્ર લખી રજુઆત કરી છે.
મનસુખ વસાવાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે ડેમના ગેટ બંધ કરવાથી નર્મદાના ગરૂડેશ્વર થી ભરૂચ સુધીનું નર્મદાનું પાણી સુકાઈ રહ્યું છે.જેથી નર્મદા નદીમાં માછીમારીનો ઉદ્યોગ લગભગ સમાપ્ત થયો છે અને ખેતી પર પણ ખરાબ અસર પડી છે.નર્મદા નદી પર આવેલા ધાર્મિક સ્થાનોના સંચાલન કાર્યમાં પણ ખરાબ અસર પડી રહી છે.કેટલીક જગ્યાએ પાણી રોકાઈ જવાથી પ્રદુષણ વધી રહ્યું છે અને આ પ્રદુષણ આસપાસના ગામડાઓમાં વધી રહ્યું છે.
તો નર્મદા નદીનો પ્રવાહ વધારવા નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવે જેથી ખેડૂતોને પાણી મળે અને માછીમારોને ઉદ્યોગ પણ ચાલી શકે.સમય સમય પર નર્મદા જયંતિ જેવા અનેક ઉત્સવો પણ નર્મદા ઘાટ પર થાય છે જેથી પર્યાપ્ત માત્રામાં નર્મદા ડેમમાંથી પાણી છોડવું જરૂરી છે.