વિશાલ મિસ્ત્રી રાજપીપળા:
સમગ્ર ગુજરાતમાં ઉંચી ફી વિરુદ્ધમાં વાલીઓએ સ્કૂલ સંચાલકો સામે બાયો ચઢાવી છે. ત્યારે રાજપીપળાના વાલી મંડળે પણ એમાં સુર પુરાવી રાજપીપળાની માય સેનન અને મંગરોલની વાયબ્રન્ટ વેબ્ઝ સ્કૂલ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદનું એક મોટું લિસ્ટ નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીને સોંપ્યું છે.અને આ શાળાઓ જો નિયમ મુજબ ના અનુસરે તો એમની માન્યતા રદ કરવાની પણ માંગ કરી છે.
રાજપીપળા વાલી મંડળે પોતાની લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે માય સેનન અને વાયબ્રન્ટ વેબ્ઝ દ્વારા સરકારે નક્કી કરેલ ધારા ધોરણ કરતા ઊંચી ફી વસુલાય છે.સરકારના નિયમ વિરુદ્ધ બાહ્ય કોર્ષ રાખે છે,શાળામાંથી પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવા દબાણ ના કરાય છતાં આ શાળાની નજીકમાં ખૂલેલી દુકાનોમાંથી પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવા દબાણ કરી વાલીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે.તેમ છતાં જિલ્લા કક્ષાએથી કોઈ જ તપાસ કે પગલાં ભરાતા નથી.રાજપીપળાની માય સેનન સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંકસનની ઉજવણીમાં ફરજીયાત વિદ્યાર્થી દીઠ 500 રૂપિયાની માંગણી કરાય છે.આ ઉઘાડી લૂંટ કેટલે અંશે વ્યાજબી છે.આ બન્ને સ્કૂલોને કેમ આટલો છૂટો દોર અપાયો છે.આ સ્કૂલો સરકારે નક્કી કરેલ મુજબની ફી વસુલે અને નિયમોને અનુસરે અને જો આમ ના કરે તો એમની માન્યતા રદ્દ કરો અથવા ઊંચો દંડ કરો.અને જો તાત્કાલિક પગલાં નહિ ભરાય તો વાલી મંડળે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જોકે આ મામલે વાલી મંડળ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે એક મિટિંગ પણ યોજાઈ હતી.જેમાં વાલીઓના ધારદાર પ્રશ્નો સામે સ્કૂલ મેનેજમેન્ટે મૌન સેવ્યું હોવાનું તથા આ મિટિંગ દરમિયાન ઘર્ષણ સર્જાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.અત્રે એ ઉલ્લેખનિય છે કે રાજપીપળા સહિત આસપાસના વિસ્તારની 40 જેટલી શાળાઓમાંથી ફક્ત આ જ બે શાળાઓએ ફી ઘટાડા મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી.