વિશાલ મિસ્ત્રી રાજપીપળા
વાઘેથા સે.સ.મંડળીની 2 વર્ષ દરમિયાનની મિટિંગમાં સુનિલ પટેલની સહી ના હોવાથી વ્યવસ્થાપક કમિટીના સભ્ય ન હોવાનું કારણ આગળ ધરી ચૂંટણી અધિકારીએ ઉમેદવારી અમાન્ય ઠહેરાવી.
નાંદોદ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું ગત 2/1/2018 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.આ ચૂંટણીની પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદીમાં સરકારી અધિકારીઓએ ગેરરીતિ કરી હોવાના આક્ષેપ સહકારી અગ્રણી ઘનશ્યામ પટેલે લગાવ્યો હતો.અને વાઘેથા મંડળીમાંથી ઠરાવ થયેલ સુનિલ પટેલની ઉમેદવારી સામે અન્ય ઉમેદવાર દિલીપ રાવે ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં વાંધો નોંધાવ્યો હતો.અને આ મામલે યોગ્ય તપાસ કરી નિર્ણય લેવા વિનંતી કરી હતી.
ત્યારે આ મામલે સુનાવણી દરમિયાન વાઘેથા સેવા સહકારી મંડળીની 2 વર્ષ દરમિયાનની વ્યવસ્થાપક કમિટીની મિટિંગની પ્રોસીડિંગની ઝેરોક્ષ નકલો ચૂંટણી અધિકારીએ તપાસી હતી.જેમાં વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે સુનિલ પટેલની સહીનો સમાવેશ થયો ન હોવાનું એમને જણાયું હતું.એથી સુનિલ પટેલ આ મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્ય પણ ન હોવાનો તથા ચૂંટાયા પણ ન હોવાનું ચૂંટણી અધિકારીને કારણ આગળ ધરી દિલીપ રાવનો વાંધો ગ્રાહ્ય રાખ્યો હતો.અને નાંદોદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાંથી સુનિલ પટેલની ઉમેદવારી અમાન્ય ગણાવી હતી.
વધુમાં રાજપીપળા પ્રાંત કચેરી ખાતે આ વાંધા હુકમ મેળવવા માટે અરજદારોને કલાકો સુધી બેસાડી રાખી યોગ્ય જવાબ ન મળવાને કારણે ત્યાં તું..તું..મેં..મેં..ના દ્રશ્યો સર્જાયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.તો બીજી તરફ સહકારી અગ્રણી ઘનશ્યામ પટેલે આ નિર્ણયને અસત્યની સામે સત્યના વિજય સાથે સરખવ્યો હતો.